અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કૌશિક ચૌહાણ નામના એક ટેક્સીચાલકે વાસણા વિસ્તારથી જુહાપુરા સુધીમાં લગભગ સાતથી આઠ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ દરમિયાન રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને ગાડીમાંથી ખેંચીને મારતાં તેનું મોત નીપજ્યું હતું. જોકે કેટલાક અહેવાલ અનુસાર કૌશિક ચૌહાણનું અકસ્માતમાં પણ મોત નીપજ્યું હોવાના દાવા કરાયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. કારચાલક નશામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર મંગળવારે રાતે વાસણા રોડથી લઈને જુહાપુરા સુધીમાં ટેક્સી પાસિંગ ધરાવતી કારચાલકના ડ્રાઈવર કૌશિક ચૌહાણે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હતા. જોકે લોકોમાં ગભરાટ ફેલાઈ જતાં તેને જેમ તેમ રોકીને લોકોએ ગુસ્સામાં માર માર્યો હોવાનો દાવો કરાયો છે. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ કૌશિક મૃત્યુ પામી ચૂક્યો હતો અને કારની આગળના ભાગમાં તેની લાશ પડી હતી.