અમેરિકાએ યમનના રાસ ઈસા તેલ બંદર પર ભયાનક હવાઈ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા ૭૪ લોકોના મોત અને ૧૭૧ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી યમનમાં સક્રિય હુતી વિદ્રોહીઓએ આપી છે. માહિતી મુજબ, આ હુમલો ગુરુવાર મોડી રાત્રે (૧૮ એપ્રિલ, ૨૦૨૫) એક બંદર પર કરાયો હતો. બંદર પર અનેક લોકો કામ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક હવાઈ હુમલા થતા મોટી જાનહાનિ થઈ છે.
અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય હુતી વિદ્રોહીઓના ઈંધણ અને આર્થિક સંસાધનોને નબળા પાડવાનો હતો. અલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, હુમલામાં બંદર અને તેની આસપાસના વિસ્તારોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા. બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઇવરો પણ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા.
હકીકતમાં રાસ ઈસા બંદર યમન માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે અહીંથી અર્થવ્યવસ્થા અને માનવતાવાદી સહાય પુરવઠાની કામગીરી ચાલતી હોય છે. દેશની ૭૦ % થી વધુ આયાત આ બંદર પરથી થાય છે, જ્યારે ૮૦ % માનવતાવાદી સહાય પણ આ જ બંદર પરથી આવે છે. હુમલા પછી આ વિસ્તારમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.
હુતી વિદ્રોહી સમર્થિત અલ મસીરા ટીવીએ વિસ્ફોટ અને નુકસાનના વીડિયો જાહેર કર્યા છે. વીડિયોમાં સળગતા ટ્રક, કાટમાળ અને નાગરિકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ઘણા બંદર કર્મચારીઓ ઘાયલ થયા છે.