AMCનું મોટું ભોપાળું, જે હોસ્પિટલ અસ્તિત્વમાં જ નથી તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન વકરતી જાય છે. રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદની છે. કોવિડ મેનેજમેન્ટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર અવારનવાર સવાલો ઉભા થયા છે, વિપક્ષે પણ આ મામલે અનેક વાર અરીસો દેખાડ્યો છે. આવામાં AMCનું એક મોટું  ‘બ્લન્ડર’ સામે આવ્યું છે અને વ્યવસ્થાનો દેખાડો કરતા AMC ના ઉચ્ચ અધિકારીઓનો અસલી ચહેરો સામે આવ્યો.

જે હોસ્પિટલ નથી એને કોવિડ કોવિડ હોસ્પિટલ જાહેર કરી

AHMEDABAD માં કોરોનાના કેસો વધતા ગઈકાલે એટલે કે 8 એપ્રિલના રોજ અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 ખાનગી હોસ્પિટલોને 50 બેડ ફરજીયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવાનો આદેશ કર્યો અને કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવાની મોટી જાહેરાત કરી હતી.

AMCના આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું  કે શહેરમાં કોરોના દર્દીઓના થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ મોટી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ખાલી રાખવા પડશે. AMCના આ આદેશથી કોરોના દર્દીઓને 18 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 1219 બેડનો લાભ મળશે એવી પણ જાહેરાત કરવામાં આવી. પણ આમાં AMCની એક એવી ગંભીર બેદરકારી સામે આવી છે જેનાથી વ્યવસ્થાનો દેખાડો કરતા AMC ના ઉચ્ચ અધિકારીઓનો અસલી ચહેરો સામે આવી ગયો છે.

AHMEDABAD: AMC's big 'blunder', non-existent hospital declared Covid Hospital

સેટેલાઈટ હોસ્પિટલ 2 વર્ષથી બંધ, છતાં કોવિડ હોસ્પિટલ જાહેર

AMC એ જાહેર કરેલા આદેશમાં  ખાનગી હોસ્પિટલના જે 18 નામોની યાદી જાહેર કરી હતી એમાં 17માં ક્રમની  હોસ્પિટલનું નામ દર્શાવાયું છે “સેટેલાઈટ હોસ્પિટલ એન્ડ ફીઝીયોથેરાપી રીસર્ચ” અને આ હોસ્પિટલનું સરનામું દર્શાવ્યું છે “પુનીતનગર-1 ની સામે, ઉમિયા વિજય રોડ, સેટેલાઈટ” અને અહી કુલ બેડની સંખ્યા 50 બતાવી છે અને એમાંથી 25 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે તેવી વિગત દર્શાવી છે.

અહી AMCની મોટી બેદરકારી સામે આવી છે કે આ હોસ્પિટલ છેલ્લા 2 વર્ષથી બંધ છે, એટલે કે હાલમાં અહી હોસ્પિટલનું અસ્તિત્વ જ નથી. આ હોસ્પિટલના નામનું કોઈ બોર્ડ કે દિશાસૂચક બોર્ડ પણ હાલ દેખાતા નથી, તો પછી પ્રશ્ન થાય કે AMC એ કોઈ સ્થળ તપાસ કર્યા વગર જ કેવી રીતે આ મોટા ‘બ્લન્ડર’ને અંજામ આપ્યો ? AMC ની આ મોટી બેદરકારી શહેરના કોરોના દર્દીઓ સાથે ક્રૂર મજાક છે.

હવે આ પણ તપાસનો વિષય છે કે જેનું અસ્તિત્વ જ નથી તે આ “સેટેલાઈટ હોસ્પિટલ એન્ડ ફીઝીયોથેરાપી રીસર્ચ” હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરી આ હોસ્પિટલના નામે AMCએ કોઈ બીલ ફાડ્યા છે કે નહિ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *