અમેરિકામાં ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો હતો. સમગ્ર અમેરિકામાં શનિવારે હજારો દેખાવકારો ફરી એકવાર માર્ગો પર ઊતરી આવ્યા હતા. આ લોકોએ ટ્રમ્પની નીતિઓ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો.
ન્યુયોર્ક, વોશિંગ્ટન અને શિકાગો જેવા શહેરોમાં ૫ એપ્રિલે યોજાયેલા દેખાવોની તુલનાએ ભલે આ વખતે ઓછા લોકો દેખાવોમાં સામેલ થયા હતા પરંતુ આ વખતે જેક્સનવિલે, ફ્લોરિડાથી લઈને લોસ એન્જેલસ સુધી ૭૦૦ થી વધુ ધરણાં-રેલીનું આયોજન કરાયું હતું.
દેખાવકારોએ ઈમિગ્રેશન, સંઘીય નોકરીમાં મોટો કાપ, આર્થિક નીતિઓ અને ટેરિફ વૉર જેવા અન્ય મુદ્દાઓ પર ચિંતાનો હવાલો આપતાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે નાગરિકોની સ્વતંત્રતા અને કાયદાના શાસનને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો. વોશિંગ્ટનની રેલીમાં એક વ્યક્તિએ કહ્યું કે મને એ વાતની ચિંતા છે કે તંત્ર કોઈ યોગ્ય પ્રક્રિયાના પાલન વગર ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢી મૂકતા રોકાશે નહીં અને અમેરિકાના નાગરિકોને પણ જેલભેગા કરશે તથા દેશમાંથી કાઢી મૂકશે.