બિહારના બક્સરમાં ગઈકાલે (૨૦ એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ની જનસભા યોજાઈ હતી, જેમાં એપેક્ષિત ભીડ એકઠી ન થતા કોંગ્રેસે કાર્યવાહી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ બક્સર જિલ્લાના અધ્યક્ષ મનોજ કુમાર પાંડે ને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. એવું કહેવાય છે કે, ખડગેની સભા માટે વ્યાપક તૈયારી કરાઈ હતી, જોકે સભા સ્થળે ઘણા ઓછા લોકો પહોંચ્યા હતા, જેના કારણે પાર્ટી નારાજ થઈ છે. પાર્ટીએ આ બેદરકારીને ગંભીરતાથી સસ્પેન્ડની કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બિહાર વિધાનસબા ચૂંટણીમાં કોઈ સમસ્યા ઉભી ન થાય, તેને ધ્યાને રાખી ટૂંક સમયમાં બક્સર જિલ્લા સંગઠનમાં નવી નિમણૂક કરાશે.
રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના બક્સરના દલસાગર સ્ટેડિયમમાં આયોજિત ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલી’ને સંબોધિત કરતાં નીતિશ કુમાર અને ભાજપ ના ગઠબંધનની ટીકા કરી હતી. ખડગેએ નીતિશ કુમાર સત્તા માટે વારંવાર પલટી મારતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ખડગેએ કહ્યું કે, ‘બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપનુ ગઠબંધન નકામું છે. આ બંને ગઠબંધન માત્ર સત્તા માટે એક-બીજાની સાથે છે. નીતિશ કુમાર ખુરશી માટે વારંવાર ગઠબંધન બદલી નાખે છે.’
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘નીતિશ કુમારે હાલ એ લોકો સાથે ગઠબંધન કર્યું છે, જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. બિહારના લોકોએ મુખ્યમંત્રી નીતિશને સવાલ કરવો જોઈએ કે, વડાપ્રધાન મોદીએ ૨૦૨૫ માં રાજ્યને રૂ. ૧.૨૫ લાખ કરોડનું પેકેજ આપવાનું વચન આપ્યું હતું. તેનું શું થયું. વડાપ્રધાન જૂઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. બિહારમાં એનડીએ સરકારનો પર્દાફાશ કરવો પડશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મત આપવા અપીલ છે.’