બાન્દ્રા પૂર્ના ભૂતપૂર્વ વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકીને જીવથી મારી નાખવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઝિશાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસોમાં તેને રોજ ઈમેલ આવે છે કે રૂ. ૧૦ કરોડ આપ નહીંતર તારા પિતાની જેમ તને પણ જીવથી મારી નાખશું. ઝિશાનના પિતા અને રાજકારણી બાબા સિદ્દીકીને ૧૨ મી ઑક્ટોબર, ૨૦૨૪ ના રોજ બાન્દ્રા ખાતે તેમની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા થઈ હતી.
હાલમાં ઝિશાનને વાય સિક્યોરિટી આપવામાં આવી છે. જોકે આ પહેલીવાર નથી કે ઝિશાનને ધમકીઓ મળી હોય. અગાઉ પણ આવી રીતે તેને મારી નાખવાની ધમકી મળી છે. હાલમાં જે ધમકી આપવામાં આવી છે તે માણસે પોતે ડી-કંપની સાથે જોડાયેલો હોવાનો દાવો પણ કર્યો છે.
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી અને પોલીસ કાર્યવાહીમાં પંજાબના કુખ્યાત ગેંગસ્ટર આકાશદીપ ગિલ અને અનમોલ બિશ્નોઈના નામ ખૂલ્યા હતા. ઝિશાન ૨૦૨૪ ની વિધાનસભા ચૂંટણી અજિત પવારની એનસીપીની ટિકિટ પરથી લડ્યો હતો, પરંતુ તેની હાર થઈ હતી.