જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલો થયો છે, જેમાં અત્યાર સુધી ૨૭ પ્રવાસીઓના મોત થયા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલો થયો છે, જેમાં અત્યાર સુધી ૨૭ પ્રવાસીઓના મોત થયા છે. હવે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી સામેથી લીધી નથી, પરંતુ તેના ફંડિંગથી ચાલી રહેલા આતંકવાદી સંગઠને ચોક્કસપણે સામેથી એક સંદેશ જારી કર્યો છે. દરમિયાન પાકિસ્તાનને હવે જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. તેને બાલાકોટ જેવા હુમલાનો ડર છે. આ કારણે ભારત પાસેની સરહદ પર ટોહી વિમાન પેટ્રોલિંગ કરતા જોવા મળી રહ્યા છે.
ભારતમાં રહી ચુકેલા પાકિસ્તાનના પૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ સમયે ડરમાં છે, તેને જવાબી હુમલાનો ડર છે. તેમના તરફથી જાણકારી આપવામાં આવી કે ભારત સાથેની સરહદ પર ટોહી વિમાન અત્યારથી જ પેટ્રોલિંગ કરી રહ્યા છે, પાકિસ્તાન એરફોર્સને એલર્ટ પર રાખવામાં આવી છે. પુલવામા હુમલા બાદ જે દ્રશ્ય જોવા મળ્યું હતું, તેના જેવું જ કંઇક આ દ્રશ્ય છે. ત્યારબાદ બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઇક કરી હતી.
આ હુમલા પર પાકિસ્તાનનું પહેલું નિવેદન પણ આવી ગયું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત સરકાર અલ્પસંખ્યકોને પરેશાન કરી રહી છે. તેમાં બૌદ્ધો, મુસ્લિમો બધા સામેલ છે. લોકોની કત્લેઆમ કરવામાં આવી રહી છે, તેથી તેની સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. અમારે આવા કોઈ પણ હુમલા સાથે કોઈ લેવાદેવા નથી.
આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી ટીઆરએફ નામના આતંકી સંગઠને લીધી છે. તેને બીજા શબ્દોમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નામ પરથી તે અંગ્રેજી સંગઠન લાગે છે પરંતુ વાસ્તવમાં તેના મૂળ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા છે.
આ સંગઠનને લશ્કરનું પ્રોક્સી માનવામાં આવે છે, ખતરનાક આતંકી સજ્જાદ ગુલ હાલ ટીઆરએફ ચલાવી રહ્યો છે. આ આતંકીને હાફિઝ સઈદનો જમણો હાથ કહેવાય છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ ઘણા વર્ષોથી સજ્જાદ સામે મોટું ઈનામ જાહેર કર્યું છે, તેની શોધ સતત ચાલી રહી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટને લશ્કરનો મોરચો માનવામાં આવે છે,
જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી ત્યારે આ સંગઠને પોતાનો પગપેસારો કર્યો હતો. શરૂઆતમાં તો તે એક ઓનલાઇન સંગઠનની જેમ કામ કરતું હતું. લશ્કરને તેના હુમલામાં કવર આપવાના હેતુ રહેતો હતો.