દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં ૨૮ નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે આ હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે.
પહલગામ હુમલાને લઈને થયેલી સીસીએસ ની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, આ બેઠક અંદાજિત અઢી કલાક સુધી ચાલી. બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. રાજનાથ સિંહ ૭-લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓને પરત લાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે શ્રીનગર રવાના થયા છે. મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે જરૂરી સહાયતા સુનિશ્ચિત કરશે. બીજી તરફ હુમલા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘આ નિંદનીય ઘટના છે. મહારાષ્ટ્રના જે ૬ લોકોના મૃત્યુ થયા છે, તે દરેક પીડિત પરિવારને ૫-૫ લાખ રૂપિયા અપાશે.’
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે (બુધવાર) એક સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે. પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે આવતીકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપાયેલા નિર્દેશોનું ઝડપથી પાલન કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આપણા નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને એ પણ નક્કી કરશે કે આતંકવાદની આવી કાયરતાપૂર્ણ હરકત ફરી ન થાય.’