યુરોપિયન કમિશનના નિરીક્ષક ઇયુ પંચે ડિજિટલ સ્પર્ધાના નિયમનો ભંગ કરવા બદલ અમેરિકન કંપની એપલને ૫૦ કરોડ યુરો (અંદાજે રૂ. ૪૮૭૪ કરોડ) અને મેટાને ૨૦ કરોડ યુરો (અંદાજે રૂ.૧૯૪૯ કરોડ)નો દંડ ફટકાર્યો છે. એપલને એપ મેકર્સને તેના એપ સ્ટોરની બહારના સસ્તા વિકલ્પોનો ઉપયોગ ન થવા દેવા બદલ આ દંડ ફટકાર્યો છે. ઇયુના એક્ઝિક્યુટિવ એકમ કમિશને મેટા પ્લેટફોર્મને બે કરોડ યુરોનો દડ ફટકાર્યો.
મેટાએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલાઇઝ્ડ એડ જોવા અથવા તો તે ન જોવાનું પસંદ કરવા માટે પેમેન્ટની માગ કરી હતી.જો કે આ વખતે ફટકારવામાં આવેલા દંડ અગાઉના અબજો ડોલરના દંડ કરતાં ઓછો હતો. અગાઉ ઇયુએ મોટી ટેક કંપનીઓને એન્ટિ ટ્રસ્ટ કેસમાં અબજો ડોલરનો દંડ ફટકાર્યો હતો.
એપલ અને મેટાએ આ ચુકાદાનો ૬૦ દિવસમાં પાલન કરવાનું રહેશે. આ નિર્ણય તો માર્ચમાં જ લેવાનો હતો, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલી ટ્રેડ વોરના કારણે તેમા વિલંબ થયો હતો. ટ્રમ્પ વારંવાર ફરિયાદ કરતાં હોય છે કે બ્રસેલ્સના નિયમનો અમેરિકન કંપનીઓને અસર કરે છે.
એપલ અને ફેસબૂકને આ દંડ ઇયુ ડિજિટલ માર્કેટ્સ એક્ટ હેઠળ ફટકારવામાં આવ્યો છે. આ કાયદો ડીએમએ તરીકે પણ જાણીતો છે. બંને કંપનીઓએ સંકેત પાઠવ્યા છે કે તેઓ આ ચુકાદા સામે અપીલમાં જશે. એપલનો આરોપ છે કે કમિશન તેમને અયોગ્ય રીત લક્ષ્યાંક બનાવી રહ્યું છે અને જણાવ્યું હતું કે કંપનીના નિયમોનું પાલન કરવાના પ્રયત્નો છતાં તે સતત ગોલપોસ્ટ બદલતું રહ્યું છે.
મેટાના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કલ્પને જણાવ્યું હતું કે કમિશન ગણ્યગાંઠયા સફળ અમેરિકન કારોબારોને પંગુ બનાવી દેવા માંગે છે. તેની સાથે તે યુરોપીયન અને ચાઇનીઝ કંપનીઓને છૂટ આપે છે. આ તેઓના બેવડા ધોરણો છે. કમિશનના પ્રવક્તા થોમસ રેગ્નિયરે જણાવ્યું હતું કે અમને કંપનીના માલિક કોણ છે તેની જરા પણ પરવા નથી, પછી તે અમેરિકન હોય, યુરોપીયન હોય, ચાઇનીઝ હોય કે ગમે તે હોય. અમારે ફક્ત નિયમોનું પાલન થાય તે જોવાનું છે.
એપલ સ્ટોરના કેસમાં કમિશને આઇફોન પર આરોપ મૂક્યો હતો કે કંપનીએ બીજી ચેનલ તરફ ગ્રાહકોને લઈ જતાં એપ ડેવલપરોને રોકવા અયોગ્ય નિયમો લાદ્યા હતા. જ્યારે ડીએમએ જોગવાઈ છે કે ડેવલપરો ગ્રાહકને તેમની સમક્ષ ઉપલબ્ધ સસ્તા ભાવના વિકલ્પો અંગે જણાવે.