સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વક્ફ સંશોધન એક્ટ કેસ પર આજે કેન્દ્ર સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. આ સોગંદનામામાં કેન્દ્ર સરકારે કાયદાને યોગ્ય ઠેરવતાં સુપ્રીમ કોર્ટના તમામ સવાલોના જવાબ આપ્યા છે. સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે કહ્યું કે, છેલ્લા ૧૦૦ વર્ષથી વક્ફ બાય યુઝરને માત્ર રજિસ્ટ્રેશનના આધારે માન્યતા આપવામાં આવતી હતી, મૌખિક રૂપે નહીં.
નોંધનીય છે કે, વક્ફ સંશોધન કાયદાનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટમાં દલીલ થઈ હતી કે, વક્ફ બાય યુઝરને રજિસ્ટર્ડ કરવાની સરકારની જોગવાઈ યોગ્ય નથી. સરકાર કેવી રીતે આટલી બધી સંપત્તિ રજિસ્ટર્ડ કરશે? જેનો જવાબ આપતાં સરકારને કહ્યું કે, છેલ્લા ૧૦૦ વર્ષથી વક્ફ બાય યુઝરને માત્ર રજિસ્ટ્રેશનના આધારે જ માન્યતા આપવામાં આવતી હતી. મૌખિક રૂપે નહીં. તેથી તેમાં કોઈ અડચણ આવશે નહીં.
કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, વક્ફ મુસલમાનોની ધાર્મિક સંસ્થા નથી, પરંતુ કાનૂની સંસ્થા છે. વક્ફ સંશોધન કાયદા અનુસાર, મુતવલ્લીની કામગીરી ધર્મનિરપેક્ષ હોય છે, ધાર્મિક નહીં. આ કાયદો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લાગણી દર્શાવે છે. તેમણે તેને બહુમત સાથે મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારે કોર્ટમાં વક્ફ કાયદા મુદ્દે સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં જણાવ્યું હતું કે, સંસદ દ્વારા પસાર કાયદો બંધારણીય રૂપે કાયદેસર ગણાય છે. વિશેષ રૂપે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની ભલામણો અને સંસદમાં લાંબી ગહન ચર્ચા બાદ તેને મંજૂરી મળી છે. કેન્દ્રે વક્ફ સંશોધન અધિનિયમ ૨૦૨૫ ને પડકારતી અરજીઓને રદ કરવાની માગ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ કોઈપણ કાયદાની જોગવાઈ પર વચગાળાનો પ્રતિબંધ મૂકી શકે નહીં. ન્યાયિક સમીક્ષા કરતાં સંપૂર્ણ કાયદા પર પ્રતિબંધ લાદી શકે છે. પરંતુ આ કાયદો અમે સંપૂર્ણ બહુમતી અને ઘણા લોકોની સહમતિ સાથે બનાવ્યો છે. વક્ફ એ કોઈ ધાર્મિક સંસ્થા નથી. તે કાનૂની સંસ્થા છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે, તે કાયદાની કોઈપણ જોગવાઈઓ પર વચગાળાનો પ્રતિબંધ લાદે નહીં. આ સંશોધિત કાયદાથી કોઈપણ વ્યક્તિના વક્ફ બનાવવાના ધાર્મિક અધિકારમાં કોઈ હસ્તક્ષેપ નહીં થાય. માત્ર મેનેજમેન્ટ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બિલ પસાર કરતાં પહેલાં જેપીસીની ૩૬ બેઠકો થઈ હતી, અને ૯૭ લાખથી વધુ સ્ટેકહોલ્ડર્સની ભલામણ લેવામાં આવી હતી. સમિતિએ દેશના દસ મોટા શહેરો પર સર્વે કરી જનતા વચ્ચે જઈ તેમના વિચાર જાણ્યા હતાં.