પાકિસ્તાન સાથે ચાલી રહેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું એક મોટું પગલું છે. સિંધુ જળ સંધિને મુલતવી રાખવાની પાકિસ્તાન પર કેટલી અસર પડશે તેની ચર્ચા કરવી જરૂરી છે.
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા કડક પગલાં લીધા છે. પાકિસ્તાન સાથે ચાલી રહેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું એક મોટું પગલું છે. સિંધુ જળ સંધિને મુલતવી રાખવાની પાકિસ્તાન પર કેટલી અસર પડશે તેની ચર્ચા કરવી જરૂરી છે. એ નોંધવું જોઇએ કે પહલગામ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે. આ હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિક સહિત કુલ ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર અનુસાર, ભારત પૂર્વી નદીઓ – રાવી, બિયાસ અને સતલજ પર નિયંત્રણ ધરાવે છે જ્યારે પાકિસ્તાન પશ્ચિમી નદીઓ – સિંધુ, ઝેલમ અને ચેનાબનું પાણી મેળવે છે.
સિંધુ જળ સંધિ સિંધુ નદી પ્રણાલી અને તેની ઉપનદીઓમાંથી પાણીના ઉપયોગ અને વહેંચણીનું સંચાલન કરે છે. પાકિસ્તાનના લોકોની પાણીની જરૂરિયાત અને ખેતી માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિંધુ નદીના નેટવર્કમાં જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓનો સમાવેશ થાય છે.