અમેરિકન ટેરિફ વોરના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં છે. પરંતુ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર પર તેની કોઈ અસર જોવા નથી મળી. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે ૧૮ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર ૮.૩૧ બિલિયન ડોલર વધીને ૬૮૬.૧૪૫ બિલિયન ડોલર થયો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર સતત સાત અઠવાડિયાથી વધી રહ્યો છે. આ અગાઉ ૧૧ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે ૧૫૬૭ અબજ ડોલર વધીને ૬૭૭.૮૩૫ અબજ ડોલર થયો હતો.
સપ્ટેમ્બરમાં ફોરેક્સ રિઝર્વ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે
સપ્ટેમ્બર ૨૦૨૪ માં દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર ૭૦૪.૮૮૫ બિલિયન ડોલરના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. ૧૮ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ફોરેક્સ રિઝર્વનો મુખ્ય ઘટક ગણાતી વિદેશી ચલણ સંપત્તિ ૩૫૧૬ બિલિયન ડોલર વધીને ૫૭૮.૪૯૫ બિલિયન ડોલર થઈ છે. મીડિયા અહેવાલ અનુસાર, ડોલરના સંદર્ભમાં ઉલ્લેખિત વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી હૂંડિયામણ ભંડારમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણોમાં વધઘટની અસરનો સમાવેશ થાય છે.
દેશના સોનાના ભંડારમાં પણ વધારો થયો
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર ૪.૫૭૫ બિલિયન ડોલર વધીને ૮૪.૫૭૨ બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક અનુસાર, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR)૨૧૨ મિલિયન ડોલર વધીને ૧૮.૫૬૮ બિલિયન ડોલર થયા છે. આરબીઆઈ ના ડેટા દર્શાવે છે કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં આઈએમએફ પાસે ભારતની અનામત સ્થિતિ ૭ મિલિયન ડોલર વધીને ૪.૫૧ બિલિયન ડોલર થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં દેશની સ્થિતિ મજબૂત
દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર આર્થિક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય વેપાર જાળવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ આયાતી માલની ચૂકવણી કરવા વિદેશી દેવું ચૂકવવા અને વૈશ્વિક આર્થિક સંકટના સમયમાં રૂપિયાને મજબૂત બનાવવા માટે થાય છે. વધુ ચલણ અનામત હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં દેશની સ્થિતિ મજબૂત બને છે.