ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર આજે ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં 406 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા ૪૦૬ પર પહોંચી ગઈ છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મહેરદાદ હસનઝાદેહે કહ્યું કે, ‘રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની તામકાગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આકાશમાં ભયાનક કાળા ધૂમાળા જોવા મળી રહ્યા છે. રાજઈ પોર્ટ પર મુખ્યરૂપે કન્ટેનરનો ટ્રાફિક સંભાળવાની કામગીરી થાય છે. અહીં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ સહિતના ટેન્કો હોવાથી વિસ્ફોટ બાદ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બનવાનો ખતરો ઉભો થયો છે. વિસ્ફોટના કારણે પોર્ટ પર સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ છે.


