છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં વિવાદનું કેન્દ્ર બનેલા ગોંડલમાં અલ્પેશ કથીરિયા-ગણેશ જાડેજાનો જંગ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને આજે ગોંડલ આવેલા અલ્પેશ કથીરિયાના સમર્થક અને ગણેશ ગોંડલના સમર્થક દ્વારા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સામ-સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર અગ્રણીઓ ગોંડલની મુલાકાતે આવ્યા હતા. જેના પગલે આજે ગણેશ જાડેજાના સમર્થકો ઠેર-ઠેર હાથમાં બેનરો લઈને અલ્પેશ કથીરિયાનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી પડ્યા હતા. જેવો અલ્પેશ કથીરિયાનો કાફલો પસાર થયો, તે સાથે જ ગણેશ જાડેજાના સમર્થકોએ ‘અલ્પેશ કથીરિયા હાય..હાય..’, ‘સ્વાગત છે સ્વાગત છે ગોંડલમાં ગમે તેનું સ્વાગત છે’ જેવા નારા લગાવ્યા હતા. આ દરમિયાન અલ્પેશ કથીરિયાના કાફલાની એક કારના ડ્રાઈવરે વિરોધ કરી રહેલા ગણેશ જાડેજાના સમર્થકો પર પોતાની ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેના પરિણામે ઉશ્કેરાયેલા ગણેશ જાડેજાના સમર્થકોના ટોળાએ અલ્પેશ કથીરિયાના કાફલાની કારમાં તોડફોડ કરી હતી.

પોલીસ ફરિયાદી બની રાયોટિંગ સહિતની કલમ હેઠળ નોંધી ફરિયાદ
હવે અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં તોડફોડ માટે ઈન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજ સિંહ, નિલેશ ચાવડા સહિત અજાણ્યા માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે પુષ્પરાજ વાળા અને નિલેશ ચાવડા સહિતના કેટલાક લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થક દ્વારા અલ્પેશ કથીરિયાના કાફલામાં રહેલી બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ જાણી જોઈને ફૂલ સ્પીડના ટોળા પર કાર ચડાવીને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવી હોવા સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા બન્ને ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અલ્પેશ કથીરિયા-ગણેશ જાડેજાના વિવાદમાં સામસામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- અલ્પેશ કથીરિયા-ગણેશ જાડેજાના વિવાદમાં નોંધાઈ ફરિયાદ
- ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધાયો
- પોલીસ ફરિયાદી બની રાયોટિંગ સહિતની કલમ હેઠળ નોંધી ફરિયાદ
- ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કિરાજ સિંહ સામે ગુનો
- નિલેશ ચાવડા તેમજ અજાણ્યા શખ્સોના ટોળા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવેલી કારમાં તોડફોડ અંગે ગુનો નોંધાયો
- બી ડિવિઝન પોલીસે પુષ્પરાજ વાળા, નિલેશ ચાવડા સહિતની ધરપકડ
- સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજાના સમર્થકે નોંધાવી ફરિયાદ
- કારચાલક વિરુદ્ધ BNSની કલમ 110 હેઠળ ફરિયાદ નોંધાવી
- ઓવરસ્પીડમાં ટોળા પર ગાડી ચલાવી હત્યાના પ્રયાસની કલમ હેઠળ ફરિયાદ