જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં નજરે આવી રહી છે. પાકિસ્તાન પર કેટલાક પ્રકારના પ્રતિબંધ લગાવાયા બાદ હવે મંગળવારે આગળની રણનીતિ માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઈ. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સામેલ છે.
બેઠકમાં સેના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી પણ હાજર છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં પહલગામ હુમલા બાદની સુરક્ષા સ્થિતિ, આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલા ઓપરેશનો અને ભવિષ્યની રણનીતિ પર ગહન વિચાર-વિમર્શ કરાયો.
મળતી માહિતી અનુસાર, પીએમ આવાસ પર થઈ રહેલી આ બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષાદળોની કાર્યવાહી અને આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા થઈ રહી છે. સૂત્રોના અનુસાર, વડાપ્રધાન મોદીએ પહલગામ હુમલાના દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.