૧ મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ વર્ષે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે
૧ મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ દિવસને સંપૂર્ણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જે રાજ્યની સ્થાપના અને પ્રગતિને માન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
ગુજરાત સ્થાપના દિવસનો ઈતિહાસ
ભારતની આઝાદી બાદ વર્ષ ૧૯૪૭ માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૫૬ માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા.
મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ ૧ મે, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ ૧ મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.