ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસના ભાવમાં ઘટાડો કરી દીધો છે. માહિતી અનુસાર આજે ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૭ રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે.
૧ મેના રોજ કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ૧૮૬૮.૫૦ રૂપિયાને બદલે ૧૮૫૧.૫૦ રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત હવે ૧૭૧૩.૫૦ રૂપિયાને બદલે ૧૬૯૯ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૯૨૧.૫૦ રૂપિયાને બદલે ૧૯૦૬.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં ૧૭૪૭.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ઘરેલું રાંધણ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. આજે ૧ મે, ૨૦૨૫ ના રોજ ઘરેલું એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ૮૫૩ રૂપિયામાં, કોલકાતામાં ૮૭૯ રૂપિયામાં, મુંબઈમાં ૮૫૨.૫૦ રૂપિયામાં અને ચેન્નાઈમાં ૮૬૮.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ઘરેલુ એલપીજી ગેસના ભાવ ૮ એપ્રિલના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રુ.નો વધારો કર્યો હતો. આ વધારો લગભગ એક વર્ષ પછી થયો હતો. ૧ એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો.