પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજાવવાની પહેલ પણ ઝડપી બનાવી દીધી છે.
આ દરમિયાન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ સાથે વાત કરી છે. બંને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઇ હોવાની શક્યતા છે. આ પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ના સાત કામચલાઉ સભ્યો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
ભારતીય નૌસેના અનેક પ્રકારના યુદ્ધાભ્યાસ કરી રહી છે. જેમાં મિસાઈલ ફાયરિંગ અને યુદ્ધાભ્યાસ સામેલ છે. આગામી દિવસોમાં અનેક પ્રદર્શન અને અભ્યાસ કરવાની યોજના છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત તટ પરથી દૂર આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદની નજીક યુદ્ધ જહાજ પણ તૈનાત કર્યા છે. તેમજ પાકિસ્તાન પર ચાંપતી નજર રાખી રહી છે.


