પહલગામ હુમલા પછી ભારત સરકાર આતંકવાદીઓના સફાયા માટે મકક્મપણે પગલા ભરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક યોજ્યા પછી એક્શન લેવા માટે સ્વતંત્રતા આપ્યા પછી બુધવારે આ જ મુદ્દે પાંચ મહત્ત્વની બેઠક યોજી હતી.
ત્યાર બાદ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે, તેમાંય આતંકવાદીઓને તો વીણી વીણીને મારવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે.
અમિત શાહે કહ્યું હતું કે આજે લોકો એમ માની લેતા નહીં કે અમારા ૨૭ લોકોને માર્યા પછી લડાઈ જીતી લીધી છે. હું એ લોકોને કહેવા માગું છું કે દરેક આતંકવાદીઓને જવાબ મળશે. કાયરતાપૂર્વક કરવામાં આવેલા હુમલા પછી વિચારતા હશે કે આ અમારી જીત છે તો સમજી લેજો વીણી વીણીને લોકોને મારવામાં આવશે.
ગૃહ પ્રધાને કહ્યું હતું કે આજે ફરી અમારા સંકલ્પ મુદ્દે વાત કરીશું કે આતંકવાદ વિરોધી અમારી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાહે ઉગ્રવાદીઓનો મુદ્દો હોય કે પછી કાશ્મીરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલો પણ કોઈને બક્ષવામાં આવશે નહીં.
આતંકવાદનો સફાયો કરવામાં આવશે અને તમામ દેશો આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની પડખે છે, જ્યાં સુધી આતંકવાદ સમાપ્ત થશે નહીં, ત્યાં સુધી તેનો દંડ મળતો રહેશે.