છાસના ભાવમાં વધારો કરવાને બદલે છાસની માત્રા ઘટાડી નાખી
અમૂલ ડેરીએ દૂધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો ભાવ વધારો ઝીક્યા બાદ હવે દહીંના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ દીઠ બે રૂપિયાનો વધારો ઝીકી દઈ છાસના ભાવમાં ચાલાકી પૂર્વક ભાવવધારો કર્યો છે. જો કે, છાસના ભાવમાં કિંમતમાં વધારો કર્યા વગર કોન્ટીટી ઘટાડી દઈ ગ્રાહકો માથે ભાવ વધારો ઠોકી બેસાડયો છે. બીજીતરફ અમૂલે કરેલા ભાવ વધારાને પગલે ખાનગી ડેરીઓએ પણ દૂધમાં ભાવ વધારો કરી હવે અમૂલના રહે ચાલી દહીં અને છાસના ભાવમાં પણ વધારો ઝીકશે.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ગુરુવારે દહીં અને છાસના ભાવમાં વધારો કરતો પરિપત્ર અમલી બનાવ્યો છે જે પરિપત્ર મુજબ આજે સવારથી અમુલના દહીં અને છાસમાં ગ્રાહકોને ભાવવધારો તેમજ ઓછી માત્રા સહન કરવી પડશે. પરિપત્ર મુજબ ૩૯૦ ગ્રામ અમૂલ મસ્તી દહીં પાઉચના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જયારે અમૂલ મસ્તી દહીં એક કિલોગ્રામના ભાવમાં ૨ રૂપિયા વધારો ઝીકાયો છે. એ જ રીતે અમૂલ મસ્તી દહીં ૫ કિલોગ્રામમાં ૧૦ રૂપિયા ભાવ વધારો કરી રિટેઇલરને ગ્રાહકોને લૂંટવા માટે ૪૭૫ રૂપિયાની એમઆરપી છાપી આપવામાં આવી છે.
જયારે અમૂલ મસ્તી દહીં ૨૦૦ ગ્રામના કપમાં એક રૂપિયાનો ભાવ વધારો કરી નવા ભાવ ૨૪ રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૂલ છાસ અગાઉ જે ૪૮૦ મિલી લીટર ૧૫ રૂપિયામાં વેચાણ થતી હતી તેમાં છાસની માત્રા ૪૦ મિલી લીટર ઘટાડી નાખી રૂ.૧૫ ભાવ યથાવત રાખવામાં આવ્યો છે. તેમજ અમૂલ છાસ અગાઉ ૭૨૦ એમએલ રૂ.૨૦ માં મળતી હતી તેમાં પણ ૪૦ મીલીનો ઘટાડો કરી ભાવ રૂપિયા ૨૦ યથાવત રાખી છ લીટર અમૂલ છાસના ભાવમાં ૬ રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે.