ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર આજે શુક્રવારે વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યા હતાં.
શાહજહાંપુરના જલાલાબાદમાં બનાવવામાં આવેલા હવાઈ મથક પર રાફેલ, જેગુઆર, અને સુખોઈ જેવા ફાઈટર વિમાનો ઉતારવામાં આવ્યા છે. બપોરે ૧૨.૪૧ વાગ્યે વાયુસેનાનું એએન-૩૨ વિમાન લેન્ડ થયું હતું. વિમાને આશરે પાંચ મિનિટ સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ રન વે પર ઉતરાણ કરાવ્યું હતું. આશરે એક વાગ્યે આ વિમાન અહીંથી ટેક ઓફ થયા હતા. રન વે પર વાયુસેનાના હેલિકોપ્ટર પણ લેન્ડ થયા હતા. ગંગા એક્સપ્રેસવે પર આશરે દોઢ કલાક સુધી ફાઈટર વિમાનોનું હવાઈ પરીક્ષણ થયું હતું. ફાઈટર વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા હતાં. રાત્રે પણ આ રન વે પર ફાઈટર વિમાનો લેન્ડ થયા હતા. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ એક્સપ્રેસ વે પર ફાઈટર વિમાનોનું નાઈટ લેન્ડિંગ થયું. કટરા-જલાલાબાદ હાઈવે આ લેન્ડિંગ દરમિયાન ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રખાયો હતો. શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર બનેલી એરસ્ટ્રીપ દેશનો પહેલો એવો રનવે છે જ્યાં રાત્રે પણ ફાઇટર પ્લેનનું નાઇટ લેન્ડિંગ શક્ય બનશે.
વાયુસેનાના આ એર શૉનો ઉદ્દેશ યુદ્ધ તથા આપાતકાલીન સ્થિતિમાં એક્સપ્રેસ વેનો વૈકલ્પિક રન વે તરીકે ઉપયોગ કરવાનો છે. ગંગા એક્સપ્રેસવે દેશનો પ્રથમ રન વે છે, જ્યાં ફાઈટર વિમાન રાત-દિવસ બંને સમયે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી રન વેની બંને બાજુએ આશરે ૨૫૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વાયુસેનાએ રન વેને પહેલાં જ પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધો હતો. દિવસ અને રાત્ર બંને સમયે લેન્ડિંગનું આયોજન કરવા પાછળનું ગણિત એર સ્ટ્રિપની નાઈટ લેન્ડિંગ ક્ષમતાઓનું પરિક્ષણ કરવાનું પણ છે.