પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન્ય સંઘર્ષ ન કરવા સલાહ આપી છે.
ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરતાં કહ્યું છે, કે ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘણા વર્ષો બાદ ફરી ચરમસીમા પર છે. હું પહલગામ હુમલાને વખોડું છું. નાગરિકો પર હુમલો ક્યારેય સાંખી ન લેવાય. કાયદાકીય રીતે ગુનેગારોને સજા આપવી જોઈએ. આ મહત્ત્વપૂર્ણ સમયે વિશેષ રૂપે બંને દેશોએ સૈન્ય સંઘર્ષથી બચવાની જરૂર છે. સૈન્ય સંઘર્ષથી પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે. બંને દેશો સાથેના સંવાદમાં નિરંતર મારો આ જ સંદેશો રહ્યો છે. ભૂલ ના કરતાં- સૈન્ય સંઘર્ષ કોઈ સમાધાન નથી. તણાવ ઘટાડવાની કોઈ પણ પહેલને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન રહેશે.
કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી સાતમી મેએ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે આવી મોક ડ્રીલ છેલ્લે વર્ષ ૧૯૭૧ માં યોજાઇ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.