પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપતા, ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પીઓંકે માં મોટો હવાઈ હુમલો કર્યો. ભારતે લગભગ ૨ અઠવાડિયા પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
પહેલગામ હુમલાના બે અઠવાડિયા પછી, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. મંગળવાર-બુધવારની રાત્રે બહાવલપુર, મુરીદકે, બાઘ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હવાઈ હુમલા કરવામાં આવ્યા. ત્યારે પાકિસ્તાન પર કરવામાં આવેલા હુમલા બાદ પહેલગામ હુમલાના પીડિત પરિવારોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સંતોષ જગદાલેની પુત્રી આશાવરી જગદાલે કહ્યું, “ઓપરેશનનું નામ સાંભળીને હું ખૂબ રડી પડી. આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા લોકો માટે આ એક સાચી શ્રદ્ધાંજલિ અને ન્યાય છે.”
પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કર્ણાટકના રહેવાસી મંજુનાથ રાવની માતાએ કહ્યું, “અમને આશા હતી કે વડાપ્રધાન મોદી સારી કાર્યવાહી કરશે. ઓપરેશન સિંદૂર આ ઓપરેશન માટે એક યોગ્ય નામ છે.”
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ની આશાન્યા દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું, “આ બદલાની શરૂઆત છે. મને ખબર છે કે મોદીજી ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી તેઓ એ (આતંકવાદીઓને) સંપૂર્ણપણે ખતમ નહીં કરે. તેમણે અમને ખાતરી અપાવી છે કે તમામ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવશે. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપીને, તેમણે બતાવ્યું છે કે આપણે એ બદલો લઈ લીધો છે જેની અમને તલાશ હતી.”
શુભમના પિતા સંજય દ્વિવેદીએ કહ્યું, ‘સેના અને પીએમ મોદીનો ધન્યવાદ, ન્યાય મળ્યો બદલો લીધો…’ તેમણે કહ્યું, “હું સતત સમાચાર જોઈ રહ્યો છું. હું ભારતીય સેનાને સલામ કરું છું અને પીએમ મોદીનો આભાર માનું છું, જેમણે દેશના લોકોની પીડા સાંભળી. ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનમાં ફૂલીફાલી રહેલા આતંકવાદનો નાશ કર્યો છે, તે માટે હું આપણી સેનાનો આભાર માનું છું… આ સમાચાર સાંભળ્યા પછી મારો આખો પરિવાર હળવાશ અનુભવી રહ્યો છે…”

પહેલગામના પીડિત શુભમ દ્વિવેદીના ઘરની મુલાકાત લીધા બાદ, યુપી વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ કહ્યું, “અમે એક દીકરો ગુમાવ્યો, તેનો આખો પરિવાર શોકમાં છે. ૨૬ નિર્દોષ નાગરિકો માર્યા ગયા. સુરક્ષા દળોએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પીએમ મોદી, ગૃહમંત્રી અને રક્ષા મંત્રીએ આખી રાત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી. આપણે આપણા સુરક્ષા દળોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.”

ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન સરહદ પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જયારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ માહિતી ભારતીય સેનાના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૯ સ્થળો પર એક સાથે હવાઈ હુમલા કર્યા છે. આતંકવાદીઓના ઠેકાણાઓને દરેક જગ્યાએ નિશાન બનાવવામાં આવ્યા છે. RAW દ્વારા નક્કી કરવામાં આવેલા આ ઠેકાણાઓ પર શક્તિશાળી મિસાઇલનો મારો ચલાવવામાં આવ્યો હતો જેના પગલે આતંકીઓના આ અડ્ડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

ભારતે પહેલગામમાં મહિલાઓનું સિંદૂર છીનવી લેનારા આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ પર બોમ્બમારો કરીને આ હુમલાનો બદલો લીધો છે. ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ ૨૫ ભારતીયો અને એક નેપાળી નાગરિકની હત્યા કરી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. આતંકવાદીઓએ પુરુષોને મારી નાખ્યા અને મહિલાઓ અને બાળકોને જીવતા જવા દીધા હતા.
પીએમ મોદીએ ૨૪ એપ્રિલે બિહારના મધુબનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા આપવામાં આવશે. ત્યારથી દેશ પાકિસ્તાન સામે આવી કાર્યવાહીની અપેક્ષા રાખતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. એકસાથે ૯ સ્થળો પર થયેલા આ હુમલા દરમિયાન પાકિસ્તાન ઊંઘતું રહ્યું હતું અને પાકિસ્તાનમાં મોટા પાયે ખુવારી થઇ હતી.
