ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એવામાં ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરીને ઓપરેશન અંગે સત્તાવાર જાણકારી આપી છે.
વિદેશ સચિવે જણાવ્યું છે, કે ‘પહલગામમાં થયેલા હુમલાનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરને વિકાસ અને પ્રગતિથી રોકી પછાત રાખવાનો હતો. પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી TRFએ લીધી, હુમલાખોરોની ઓળખ પણ થઈ. આ હુમલાનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાન દુનિયાભરના આતંકવાદીઓ માટે શરણસ્થળ બની ગયું છે. હુમલાના ૧૫ દિવસ બાદ પણ પાકિસ્તાને આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. ભારતે હુમલાનો જવાબ આપવા, રોકવા તથા પ્રતિરોધ કરવાના અધિકારનો પ્રયોગ કર્યો છે. ભારતની કાર્યવાહી જવાબદારીપૂર્ણ તથા બિલકુલ ઉશ્કેરણીજનક નથી.’
ભારતીય સેના દ્વારા રાતના ૦૧:૦૦ વાગીને ૦૫ મિનિટે પાકિસ્તાનના ૯ ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો. ઓપરેશન રાતના ૦૧:૦૫ થી ૦૧:૩૦ ઓપરેશન ચાલ્યું. હુમલામાં આતંકવાદીઓના ઠેકાણાને નિશાને લેવાયા છે. પાકિસ્તાને ત્રણ દાયકાથી જે આંતકવાદની ફેક્ટરી તૈયાર કરી હતી તેને એરસ્ટ્રાઈકમાં નષ્ટ કરવામાં આવી.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કર એ તૈયબાના ટ્રેનિંગ સેંટર પર હુમલો કરવામાં આવ્યો. આતંકવાદીઓને અહીંથી જ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. સિયાલકોટમાં પણ ટેરર કેમ્પ નષ્ટ કરવામાં આવ્યું. કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું છે, કે ‘બહાવલપુરમાં સ્થિત મરકઝ સુભાન અલ્લાહ જે સરહદથી ૧૦૦ કિમી દૂર છે. આ મરકઝમાં જૈશ એ મોહમ્મદનું હેડવકાર્ટર હતું. આ આતંકવાદીઓનું મોટું કેન્દ્ર હતું અને અહીંથી તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સંસાધન પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા હતા.
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે.