ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના ૧૪ લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુઝૈફા પણ સામેલ છે. તેમજ રુઉફ અસગરના ભાઈની પત્નીનું પણ મોત થયુ હોવાના અહેવાલો મળ્યા છે. મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે.
મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, ‘મારા પરિવારના ૧૦ લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય ચાર લોકો પણ મૃત્યું પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂ થાત.’
એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે,’મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખા પરિવારનો સફાયો થયો છે. રઉફ અસગર પોતે અને તેના પૌત્ર-પૌત્રી, બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દિકરીના ચાર બાળકો ઘાયલ છે. રઉફ અસગરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું મોત થયુ છે. ‘
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાંઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુરમાં તેની મદરેસા, જૈશનું હેડ ક્વાર્ટર સંપૂર્ણપણે તબાહ થયુ છે. આ હુમલો ૨૨ એપ્રિલના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. જેમાં આતંકવાદીઓએ નિર્દોષ ૨૬ લોકોના જીવ લીધા હતાં.
યુએન સિક્યોરિટી કાઉન્સિલે ૨૦૧૯ માં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. અને સંગઠનનું વિસ્તરણ કરવા માટે નવી મદરેસા ખોલી રહ્યો છે.