આખરે વ્હીકલની મલ્ટિટ્રેઇન્ડ સ્ક્રેપ પોલિસી અમલમાં આવી ગઇ છે, પણ તે અંગે હજી પણ કેટલાક પ્રશ્નો એવા છે, જેના ઉત્તર અત્યારે સરકાર પાસે પણ નથી. આજની આધુનિક દુનિયામાં આવી પોલિસી ખૂબ જ જરૂરી છે. તે અંતર્ગત હવે એ વ્હીકલ વધારે ઉપયોગી નથી રહ્યું, તેના ભંગારને રિસાઇકલ કરી તેનો ઉપયોગ બીજી કોઇ જગ્યાએ કે વસ્તુમાં કરી શકાશે. સામાન્ય માન્યતા અનુસાર કોઇ પણ જૂના વ્હીલકને સ્ક્રેપ કરવાનો અર્થ તેને સંપૂર્ણપણે ભંગાર બનાવી નાશ કરી દેવો નથી. વ્હીકલના દરેક પાર્ટનો ખૂબ સમજી-વિચારીને નાશ કરવામાં આવે છે અથવા કેટલાક ઉદ્યોગોમાં તો તેને રિસાઇકલ કરવામાં આવે છે. ભલે જૂના વ્હીકલની રિસાઇકલ્ડ કરેલ વસ્તુનો ઉપયોગ નવા વ્હીકલમાં થાય કે ન થાય, પણ એ તો ચોક્કસ છે કે તેનાથી સ્ટીલ, પ્લાસ્ટિક, રબર, એલ્યુમિનિયમ જેવા પદાર્થોની કિંમતમાં ઘટાડો થશે અને તેના પરિણામે નવા વ્હીકલ્સની કિંમત પણ ઓછી થઇ શકશે.
અનેક પ્રશ્નોના ઉત્તર બાકી સ્ક્રેપ કરવાની કારના માલિકને નવું વ્હીકલ ખરીદે તો રોડ ટેક્સમાં 25 ટકાની છૂટ આપવાની ઓફર રજૂ કરાઇ છે. (કોમર્શિયલ વ્હીકલની ખરીદીમાં 15 ટકા છૂટ મળશે.) આ ઉપરાંત, નવી કાર ખરીદે તો તેની કિંમતમાં 5 ટકાની છૂટ મળશે, પણ ભારતમાં કારની ખરીદીના જે આંકડા છે, તે મુજબ મોટા ભાગના માલિક 10થી 15 વર્ષે પોતાની કાર બદલે છે. એટલે કે 15થી 20 વર્ષ જૂની કાર્સના મોટા ભાગના માલિક એવા હશે જેમણે સેકન્ડહેન્ડ (અથવા કદાચ થર્ડ હેન્ડ) કાર ખરીદી હશે. તો પ્રશ્ન એ થાય કે 25 ટકા અને 5 ટકાનો લાભ કોને મળશે? પહેલી વાર એ કાર ખરીદનાર માલિકને અથવા તેના છેલ્લા યૂઝરને? જો પહેલી વાર કાર ખરીદનાર માલિકને મળતો હોય તો બરાબર છે, પણ જો આ લાભ સેકન્ડ હેન્ડ અથવા થર્ડ હેન્ડ ખરીદનારને મળતું હોય છે તો અહીં એ હકીકતને ધ્યાનમાં રાખવું પડશે કે ભારતમાં માત્ર ત્રણથી પાંચ ટકા સેકન્ડ હેન્ડ કાર માલિક જ એવા હોય છે જે નવી કાર ખરીદે છે. તો પછી આ જોગવાઇનો ખાસ લાભ કદાચ નહીં મળે. અત્યારે અંગત વ્હીકલ માટેની ફિટનેસ 15 વર્ષની હોય છે. નવા નિયમો અનુસાર 15 વર્ષ પછી વ્હીકલનો ફિટનેસ ટેસ્ટ થશે. તેમાં વ્હીકલની કન્ડિશનના આધારે એ નક્કી થશે કે તેને વધુ 5 વર્ષ માટે ફિટનેસ મળશે કે નહીં? અનેક વિકસિત દેશોમાં વ્હીકલ ફિટનેસના નિયમ ખૂબ કડક છે. કેટલાક દેશોમાં પાંચ તો કેટલાકમાં ત્રણ જ વર્ષ પછી વ્હીકલનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો હોય છે. તેમાં પાસ થયા પછી જ તે રોડ પર ચલાવવાની મંજૂરી મળે છે. હકીકત તો એ છે કે આપણે ત્યાં પણ 15 વર્ષ પછી મોટા ભાગના વ્હીકલની કન્ડિશન ખરાબ થઇ જાય છે. એવામાં ‘ફિટનેસ ટેસ્ટ’માં પાસ થવા અને 5 વર્ષની મંજૂરી આપવાની જોગવાઇથી સંપૂર્ણ સ્ક્રેપ પોલિસીના હેતુ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં લાગે?
ડેડલાઇન કઇ રહેશે? – માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય આ વર્ષે 1 ઓક્ટોબર, 2021 સુધી ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર્સના તમામ નિયમની જાહેરાત કરી દેશે. – 1 એપ્રિલ, 2023થી હેવી કોમર્શિયલ વ્હીકલ માટે ફિટનેસ ટેસ્ટિંગ જરૂરી બની જશે. – અન્ય વ્હીકલ્સ માટે ફિટનેસ ટેસ્ટિંગ 1 જૂન, 2024થી શરૂ થશે. ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ નીવડેલ વ્હીકલ્સના માલિકોએ ભારે દંડ ચૂકવવાનો આવશે.