ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબર્નમાં નિધન થયુ છે. ૮૪ વર્ષીય કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે ઝઝૂમી રહ્યો હતો. જેનું ૧૧ મેના રોજ આજે રવિવારે નિધન થયુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના નિધનની ખાતરી કરી છે. કાઉપરના પરિવારમાં પત્ની ડેલ અને બે દિકરી (ઓલિવિયા અને સેરા) છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઈક બેયર્ડે જણાવ્યું હતું કે, બોબ કાઉપરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયુ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેઓ ખૂબ સન્માનિત વ્યક્તિ હતા. બોબ એક શાનદાર બેટર હતાં. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિપલ સેન્ચુરી સાથે ૧૯૬૦ ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા (રાજ્ય) ટીમમાં આકર્ષક પર્ફોર્મન્સ માટે હંમેશા યાદ રહેશે. બેટર બોબ કાઉપર ઉમદા સ્ટ્રોકપ્લે અને સંયમ સાથે બેટિંગ કરવા માટે જાણીતા હતા. કાઉપરે ફેબ્રુઆરી, ૧૯૬૬માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ૧૨ કલાકમાં ૫૮૯ બોલ પર ૩૦૭ રન ફટકાર્યા હતા. જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ બેટરની ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ટ્રિપલ સેન્ચુરી હતી.
બોબ કાઉપરની ટ્રિપલ ટેસ્ટ સેન્ચુરી પહેલાં તેણે કેરેબિયન ધરતી પર ડબલ સેન્ચુરી ફટકારી હતી. બાદમાં ટ્રિપલ સેન્ચુરી પછી પણ બે વધુ સેન્ચુરી ફટકારી હતી. ૧૯૬૮ માં કાઉપરે સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારે તે માત્ર ૨૮ વર્ષનો હતો. કાઉપરે ૧૯૬૪ થી ૧૯૬૮ દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે ૨૭ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં ૪૬.૮૪ ની એવરેજે ૨૦૬૧ રન બનાવ્યા હતા.
ઘર આંગણે પણ કાઉપરે અનેક રેકોર્ડ સર્જ્યા હતા. ૭૫.૭૮ ની એવરેજ પર ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૬૧ રન બનાવ્યા હતા. દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેન બાદ કાઉપર બીજો ખેલાડી હતો કે, જેણે ઘર આંગણે જ ટેસ્ટ સીરિઝમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હોય. કાઉપરે ઘણીવાર પોતાની ઓફ સ્પિન બોલિંગનો જાદુ પણ બતાવ્યો હતો. ટેસ્ટમાં તેણે ૩૬ વિકેટ ઝડપી હતી. ૧૪૭ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૦૫૯૫ અને ૪ લિસ્ટ-એ મેચમાં ૭૭ રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં કાઉપરના નામે ૧૮૩ અને લિસ્ટ-એમાં ૩ વિકેટ ઝડપી હતી. આઈસીસી મેચમાં રેફરી પણ રહી ચૂક્યો હતો. ૨૦૨૩ માં ક્રિકેટ પ્રત્યે ઉમદા પર્ફોર્મન્સ બદલ ‘મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી બિરદાવવામાં આવ્યો હતો.