પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ બાદ સરહદ પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, ત્યારે રવિવારે (૧૧ મે, ૨૦૨૫)ના રોજ ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાના અધિકારીઓએ પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીની તસવીરો જાહેર કરી હતી. જેમાં પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓથી લઈને એર ડિફેન્સ સિસ્ટમ સુધીની ઓપરેશન સિંદૂરની કાર્યવાહીની તસવીરો જારી કરી હતી.
રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા ૯ આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને ૧૦૦ થી વધુ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જેમાં કંધાર હાઈજેક અને પુલવામા હુમલામાં શામિલ યુસુફ અજહર, અબ્દુલ મલિક અને મુદસ્સિર અહમદ જેવા આતંકવાદીઓને પણ સામેલ છે. ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન એરમાર્શલ ભારતીએ જણાવ્યું હતું કે, ‘મુરિદકેમાં આતંકવાદી છાવણી પર હવાથી જમીન પર પ્રહાર કરતી ચાર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો અને તેનો નાશ કરવામાં આવ્યો. ઓપરેશન સિંદૂર સ્પષ્ટપણે આતંકવાદી ગુનેગારો અને તેમના ઠેકાણાઓનો નાશ કરવાનો હતો.’
એરમાર્શલ ભારતીએ વધુમાં જણાવ્યું કે, ‘મુરિદકેના આતંકી કેમ્પનો નાશ કર્યા બાદ બહાવલપુર ટ્રેનિંગ કેમ્પમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આતંકવાદીઓને સૌથી વધુ નુકસાન કરવામાં આવ્યું હતું. આમ આ બે આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવીને બરબાદ કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના અને અન્ય કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યું ન હતું. અમે એજ રાત્રે લાહોર અને ગુજરાંવાલા સ્થિત રડાર સિસ્ટમનો નિશાનો બનાવ્યો છે. ૮ – ૯ મેના રોજ, પાકિસ્તાને ડ્રોન અને એરક્રાફ્ટથી આપણી બોર્ડર અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ૮ – ૯ મેની રાત્રે, શ્રીનગરથી નલિયા સુધી ડ્રોન અને એરક્રાફ્ટથી હુમલો થયો… ‘
રહીમયાર ખાન એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું છે. એરબેઝ પાકિસ્તાની હવાઈ દળનું સક્રીય સેના હવાઈ મથક નથી, પરંતુ અંતરરાષ્ટ્રીય હવાઈ મથક હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા સંચાલિત આ હવાઈ મથક નાગરિક ફ્લાઇટ્સ માટે ઉપયોગ કરવામાં આવે છે.
પાકિસ્તાન એરફોર્સના સરગોધા એરબેઝ મિયાંવાલી જિલ્લામાં સ્થિત છે. જેને પાકિસ્તાની એર ડિફેન્સનું કરોડરજ્જુ માનવામાં આવે છે. જ્યારે ભારતીય સેનાના હુમલા દ્વારા મોટાપાયે મિસાઈલ અને બોમ્બારી કરવાથી રડાર યુનિટ્સ નષ્ટ થઈ ગઈ હતી. એવુ પણ માનવામાં આવે છે કે, બેઝ પર રહેલા અનેક વિમાનોને પણ નુકસાન થયું હતું.
ચકલાલા એરબેઝ પાકિસ્તાની વાયુસેનાની લાઈફલાઈન અને નૂર ખાન એરબેઝના નામથી પણ ઓળખાય છે. જેનું નામ પાકિસ્તાની એરફોર્સના પૂર્વ પ્રમુખ એર માર્શલ નૂર ખાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેનો ઉપયોગ મોટાભાગે VIP મૂવમેન્ટ અને લોજિસ્ટિક્સ કામગીરી માટે થાય છે.
ચુનિયાન એરબેઝ એ પાકિસ્તાન વાયુસેના (PAF)નું એક મુખ્ય ઓપરેશનલ એરબેઝ છે. આ એરબેઝ લાહોરથી લગભગ ૭૦ કિલોમીટર દક્ષિણમાં પંજાબ પ્રાંતના ચુનિયાન શહેરની નજીક સ્થિત છે. આ એરબેઝને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
પસરુર એરબેઝ પાકિસ્તાન સેનાને રડાર ઇન્ટરસેપ્શન અને લોજિસ્ટિકલ સપોર્ટમાં મદદ કરે છે. ભારતીય સેનાના હુમલામાં અહીં ભારે નુકસાન થયું હતું. આ હુમલામાં બેઝનો રનવે અને ડેપો નાશ પામ્યા હતા.
આ સૈન્ય ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી:
– ચકલાલા (LoC થી ૧૦૦ કિ.મી.)
– મુરીદ (LoC થી ૧૬૦ કિ.મી.)
– રફીકી (ફાઝિલ્કાથી ૧૭૫ કિ.મી.)
– રહીમયાર ખાન (જૈસલમેરથી ૧૮૦ કિ.મી.)
– સુક્કુર (જૈસલમેરથી ૨૨૫ કિ.મી.)
– ચુનિયાન (ફિરોઝપુરથી ૬૨ કિ.મી.)
– પસરુરની રડાર સાઇટ (ગુરુદાસપુરથી ૭૫ કિ.મી.)
– સિયાલકોટ એવિએશન બેઝ (સામ્બાથી ૫૫ કિ.મી.)