ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. કોહલીની નિવૃત્તિ સાથે એક મહાન યુગનો અંત આવ્યો છે. કિંગ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને ૧૪ વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે કહું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. એણે મારી પરીક્ષા લીધી. મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે રાખીશ.
અપેક્ષા કરતાં વધુ આપ્યું છે
કોહલીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “સફેદ રંગના કપડામાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ જે હંમેશા તમારી સાથે રહે છે. જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું ત્યારે તે સરળ નથી. પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેમાં મારું બધું જ આપ્યું છે અને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે.
લોકોના આભાર સાથે વિદાય લઈ રહ્યો છું
કોહલીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “હું આ રમતના મેદાન પર રમી રહેલા લોકો અને આ સફરમાં આગળ વધારનારા દરેક લોકોના આભાર સાથે વિદાય લઈ રહ્યો છું. હું હંમેશા મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.”
ટેસ્ટ કારકિર્દીમાં ૧૨૩ મેચોમાં ૮૨૩૦ રન બનાવ્યા
કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૨૩ મેચોમાં ૯૨૩૦ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે ૩૦ સદી અને ૩૧ અડધી સદીની ઇનિંગ્સ રમી છે. સચિન તેંદુલકર બાદ વિરાટ કોહલીને વિશ્વનો સૌથી મહાન બેટ્સમેન માનવામાં આવે છે. સચિન પછી વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. કોહલી વનડેમાં ૫૧ સદી અને ટેસ્ટમાં ૩૦ સદી ફટકારવામાં સફળ રહ્યો છે.