વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધી છે. કિંગ કોહલીએ વર્ષ ૨૦૧૮ માં નોનવેજ છોડી શાકાહારી બન્યો હતો. કોહલીની ફિટનેસ પાછળનું કારણ તેના વર્કઆઉટ રુટિનની સાથે સાથે તેનો આરોગ્યપ્રદ સંતુલિત ડાયેટ પ્લાન પણ છે.
વિરાટ કોહલીએ ૧૨ મે, ૨૦૨૫ ના રોજ ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃત્તિની ઘોષણા કરી છે. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી માત્ર રેકોર્ડ બનાવવામાં જ આગળ નથી પરંતુ ફિટનેસમાં પણ સૌથી આગળ છે. વિરાટ કોહલી પોતાની અદભૂત ફિટનેસ માટે જાણીતો છે. તેનું મુખ્ય કારણ નિયમિત કસરત અને પૌષ્ટિક આહાર છે. કોહલીએ પોતે એક મુલાકાતમાં પોતાની ફિટનેસ અને હેલ્થનું રહસ્ય જણાવ્યું હતુ. ચાલો જાણીયે વિરાટ કોહલી સ્વસ્થ રહેવા માટે ક્યો ડાયેટ પ્લાન ફોલો કરે છે.
વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર લડાયક મિજાજ બતાવે છે તેમજ જીમમાં પણ ખૂબ પરસેવો પાડે છે. કોહલી ફિટનેસ માટે પણ પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે. વિરાટે પોતાનો ડાયટ ચાર્ટ ફેન્સ વચ્ચે શેર કરી દીધો છે.
વિરાટ કોહલી ૨૦૧૮ માં શાકાહારી બન્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટને ૨૦૧૮ માં શાકાહારી બનવાનો નિર્ણય લીધો. વિરાટ કોહલીએ વેજિટેરિયન બનવાનું કારણ જાહેર કર્યું હતું કે તેણે એસિડિટીનું ઊંચું પ્રમાણ સહિત સ્વાસ્થ્યને લગતી ચિંતાઓને કારણે પોતાના આહારમાંથી નોનવેજ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને સર્વાઇકલ સ્પાઇનની સમસ્યા છે, જેના કારણે મારી ટચલી આંગળીમાં ઝણઝણાટી થતી હતી, જેના કારણે બેટિંગ કરવાનું મારા માટે મુશ્કેલ બની જતું હતું. વળી, મારું પેટ થોડું એસિડિક થઈ ગયું, મારું યુરિક એસિડ વધી ગયું અને મારું પેટ હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચવા લાગ્યું, જેના કારણે કરોડરજ્જુની સમસ્યા થઈ. તેથી, મારે નોનવેજ ખાવાનું ઓછું કરવું પડ્યું અને હવે મને પહેલાં કરતાં સારું લાગે છે.
વિરાટ કોહલી ડાયેટ પ્લાન
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાનો ડેઈલી ડાયેટ શેર કરતો રહે છે. ઇન્સ્ટાગ્રામ પર એક ફેન સાથે વાતચીત દરમિયાન વિરાટે એક દિવસમાં શું ખાય છે તે જણાવ્યું હતું.
વિરાટ કોહલી એ જણાવ્યું હતું કે, “હું ઘણા બધા શાકભાજી, બે કપ કોફી, ક્વિનોઆ, પુષ્કળ પાલક ખાઉં છું, મને ઢોંસા પણ ગમે છે, પરંતુ હું બધું જ લિમિટમાં ખાઉં છું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રમતવીરો માટે માત્ર શાકાહારી આહાર અપૂરતો છે અને નોનવેજ ફૂડ જેવા કે અનાજ, ફળો, સોયા અને પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન શક્તિ અને સહનશક્તિ વધારવા માટે પૂરતા નથી.
શાકાહારી ખાવાથી તાકાત અને સહનશક્તિ કેવી રીતે મળે છે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, શાકાહારી આહાર પૂરતા પ્રમાણમાં ન લેવાનો ડર દૂર થવો જોઈએ, કારણ કે વનસ્પતિ આધારિત ખોરાકમાં કુદરતી રીતે વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આયર્નનું શોષણ કરવામાં આપમેળે સુધારો કરે છે. આયર્ન, પછી તે હીમ હોય કે નોન હીમ, શરીર દ્વારા અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે જેથી આપણા લોહી, ઓક્સિજન ઉત્પાદન અને ચયાપચયને ટેકો આપવા માટે પૂરતું પોષણ મળી શકે.
- પોષકતત્ત્વોથી ભરપૂર આહાર લો
- સક્રિય રહો
- પ્રોસેસ્ડ અને જંક ફૂડથી દૂર રહો
શાકાહારી આહારના ફાયદા
શાકાહારીઓ હૃદયરોગને કારણે મૃત્યુ પામવાની કે હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતાના એક તૃતીયાંશ જેટલી ઓછી હોઈ શકે છે. મોટાભાગના શાકાહારીઓ વધુ ફાઇબર, કઠોળ, સૂકામેવા, મોસમી શાકભાજી અને ફળો ખાય છે. આ ઉપરાંત મોટા ભાગના શાકાહારી આહાર બ્લડ સુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે, જે કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.