ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓંકે )માં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવતા ‘ઓપરેશન સિંદુર’ હાથ ધાર્યું હતું. પાકિસ્તાનની ઉશ્કેરણી બાદ ભારત દ્વારા કરવામાં આવેલા વધુ હુમલામાં પાકિસ્તાની એર ડિફેન્સને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું.
ઓપરેશન સિંદૂરની સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સોમવારે સાંજે રાષ્ટ્રબે સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેના એક દિવસ પછી, પાકિસ્તાન સરકારે કહ્યું કે તે ભારતીય વડા પ્રધાનના ઉશ્કેરણીજનક અને ભડકાઉ દાવાઓને સહન નહીં કરે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમનો દેશ તાજેતરના યુદ્ધવિરામ સમજૂતી પ્રત્યે પ્રતિબદ્ધ છે, તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક સ્થિરતા માટે જરૂરી પગલાં લઈ રહ્યો છે.
પાકિસ્તાને ભારતને સલાહ આપી:
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું “પાકિસ્તાન ભારતીય વડા પ્રધાનના ઉશ્કેરણીજનક અને ભડકાઉ દાવાઓને નકારી કાઢે છે તેને આશા છે કે ભારત પ્રાદેશિક સ્થિરતા અને તેના નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપશે.”
પાકિસ્તાને કહ્યું છે કે જ્યારે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ભારતના વડા પ્રધાન આક્રમક નિવેદનો આપીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ આક્રમણનો પણ સંપૂર્ણ દૃઢતાથી જવાબ આપવામાં આવશે.
‘અમે આતંકવાદ સાથે સંબંધો તોડી નાખ્યા….’
ભારતે આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના નવ ઠેકાણાઓ પર રોકેટ વડે હુમલો કર્યો હતો. ભરતો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવવાનો હતો.
આતંકવાદી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે થોડા દિવસો પહેલા એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોતે સ્વીકાર્યું હતું કે તેમનો દેશ છેલ્લા ત્રણ દાયકાથી યુરોપ અને અમેરિકા માટે આતંકવાદીઓને પોષી રહ્યો છે. હવે તેમણે બીજા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે.
વડાપ્રધાન મોદીની પાકિસ્તાનને ચેતવણી:
સોમવારે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી.
પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં, વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે ફક્ત હાલ પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલા માત્ર સ્થગિત કર્યા છે અને આ ઓપરેશન સમાપ્ત થયું નથી. યુદ્ધવિરામની વિનંતી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે “આતંકવાદ કે વાટાઘાટો એકસાથે થઇ શકે નહીં, આતંક અને વેપાર એકસાથે ન થઇ શકે, પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે. આગામી દિવસોમાં, અમે પાકિસ્તાનના દરેક પગલાને તેના વલણના આધારે માપીશું. જો પાકિસ્તાન ફરીથી કંઈ ઉશ્કેરણી કરશે, તો ભારતની ત્રણેય સેનાઓ યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.”
