ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હાલ મોટાભાગના લોકો ઓછી ઊંઘ કે અનિદ્રાથી પરેશાન છે. માત્ર લાંબા સમય સુધી ઊંઘવું પુરતું નથી, નિંદ્રા કેટલી ગાઢ છે અને સાતત્યતા પણ મહત્વપૂર્ણ છે.
ઊંઘ શરીર માટે જરૂરી છે. આરામદાયક રાતની ઉંઘ તમારા શરીરને બીજા દિવસ માટે તૈયાર કરે છે. સામાન્ય રીતે દરરોજ રાતે 8 કલાકની ઊંઘને આદર્શ માનવામાં આવે છે. પરંતુ વ્યસ્ત લાઇફ સ્ટાઇલ, સમયનો અભાવ, ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ, ખરાબ આહાર આપણી ઊઘવાની ટેવ બદલી નાખી છે. અમે અડધી રાત્રે સૂઈ જઈએ છીએ અને વહેલી સવારે જાગી ઓફિસ જઈએ છીએ, તેથી આપણે લગભગ ૬ કલાકની આસપાસ ભાગ્યે જ ઊંઘીયે છીએ. વૈજ્ઞાનિક સંશોધન અને ઊંઘના નિષ્ણાતોના અભિપ્રાય મુજબ ઊંઘનો આદર્શ સમયગાળો ઉંમર પ્રમાણે બદલાતો રહે છે. યુવાનો માટે 7-8 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે. માત્ર એક રાતની ઊંઘના કલાકોની ગણતરી કરવી જ પૂરતી નથી, પરંતુ ઊંઘ કેટલી ગાઢ છે અને સાતત્યતા પણ ધ્યાાનમાં રાખવી જોઇએ. જો કોઈ વ્યક્તિ 8 કલાક ઊંઘે છે પરંતુ વારંવાર ઊંઘ તૂટી જાય છે, તો તે ઊંઘ પૂર્ણ માનવામાં આવશે નહીં.
પૂરતી ઊંઘ લેવી એ પૌષ્ટિક ખોરાક ખાવા અથવા નિયમિત કસરત કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, રાતની આરામદાયક ઊંઘ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે, યાદશક્તિમાં સુધારો કરે છે. રાતની પૂરતી ઊંઘ આળસ, ડિપ્રેશન અને હૃદયરોગના જોખમને ટાળે છે.
હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં ઊંઘના કલાકોની ચર્ચા કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના સંશોધકોએ ૨૦ દેશોના લગભગ ૫,૦૦૦ લોકોની ઊંઘની પેટર્નનો અભ્યાસ કરવા માટે દુનિયાભરની સંસ્થાઓ સાથે સહયોગ કર્યો હતો. તેમણે તારણ કાઢ્યું હતું કે વિવિધ સંસ્કૃતિઓમાં ઊંઘનું આદર્શ પ્રમાણ નોંધપાત્ર રીતે અલગ-અલગ હોઈ શકે છે, અને ઊંઘના કલાક કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમારી ઊંઘ તમારા દેશમાં ઊંઘની લાક્ષણિક આદતો સાથે કેટલી મેળ ખાય છે.
ઊંઘવાની રીતની વાત કરીએ તો જાપાનમાં લોકોની ઊંઘનો સરેરાશ સમયગાળો માત્ર ૬ કલાક ૧૫ મિનિટનો છે, જ્યારે ફ્રાંસમાં લોકો લગભગ ૮ કલાક ઊંઘે છે. કેનેડાની સરેરાશ આની વચ્ચે આવે છે, જ્યાં લોકો લગભગ ૭ કલાક અને ૨૭ મિનિટ ઊંઘે છે. ચોંકાવનારી વાત એ છે કે, સંશોધકોને ઓછી ઊંઘ અને નબળા સ્વાસ્થ્ય વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું જણાયું હતું. આ સૂચવે છે કે દેશમાં તંદુરસ્ત ઊંઘ માનવામાં આવે છે તેમાં સાંસ્કૃતિક અપેક્ષાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડોક્ટરના મતે કેટલા કલાક ઊંઘવું જરૂરી છે?
યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાના સોશિયલ એન્ડ કલ્ચરલ સાયકોલોજીના પ્રોફેસર ડો.સ્ટીવન હિને જણાવ્યું હતું કે, “અમે લાંબા સમયથી કહેતા આવ્યા છીએ કે આરોગ્ય માટે એક રાતની ૮ કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઈએ કે રાત્રે ૮ કલાકની ઊંઘ લેવાની સલાહ દરેક માટે સારી નથી હોતી. ઊંઘ માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો જે દરેકને લાગુ પડે.
આ અભ્યાસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસની કાર્યવાહીમાં પ્રકાશિત થયો હતો. તેમાં જાણવા મળ્યું છે કે જે લોકો તેમના દેશના સરેરાશ ઊઘના સમયગાળાની નજીક સૂતા હતા તેઓ સામાન્ય રીતે પોતાને વધુ સારી તંદુરસ્તી ધરાવતા હોવાનું રેટિંગ આપે છે. પછી ભલે તેઓ ૮ કલાકથી વધુ કે ઓછી ઊંઘે.
નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અને અન્ય સંશોધનના આધારે ઊંઘની સલાહ
વય જૂથ | દૈનિક ઊંઘનો આદર્શ સમયગાળો |
નવજાત શિશુ (૦-૩ મહિના) | ૧૪-૧૭ કલાક |
નવજાત શિશુ (૪-૧૧ મહિના) | ૧૨-૧૫ કલાક |
નાના બાળકો (૧-૨ વર્ષ) | ૧૧-૧૪ કલાક |
પ્રીસ્કૂલ (૩-૫ વર્ષ) | ૧૦-૧૩ કલાક |
શાળા જતા બાળકો (૬-૧૩ વર્ષ) | ૯-૧૧ કલાક |
તરુણ (૧૪-૧૭ વર્ષ) | ૮-૧૦ કલાક |
પુખ્ત વયના લોકો (૧૮-૬૪ વર્ષ) | ૭-૯ કલાક |
વરિષ્ઠ નાગરિકો (૬૫થી વધુ વર્ષ) | ૭-૮ કલાકો |