પહલગામ હુમલામાં પાકિસ્તાનના ટીઆરએફ નો હાથ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૬ પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓંકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ ટીઆરએફ ને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સામે પુરાવા રજૂ કર્યા છે. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં ટીઆરએફ અને પાકિસ્તાનનો હાથ છે.
ભારતે ગુરૂવારે (૧૫ મે) યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝ્મ (UNOCT) એટલે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધિ કાર્યાલય અને કાઉન્ટર ટેરરિઝ્મ કમિટી એક્ઝીક્યુટિવ ડાયરેક્ટોરેટ (CTED) એટલે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે ટીઆરએફ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. ભારતે યુએન સમિતિમાં એ પણ જણાવ્યું કે, ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય અધિકારીઓએ ગુરૂવારે (૧૫ મે) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને આંતકી સંગઠન ટીઆરએફની ગતિવિધિઓ વિશે જાણકારી આપી હતી. ભારતે જણાવ્યું કે, પહલગામ હુમલામાં ટીઆરએફ પણ સામેલ હતું.
ભારતીય ટીમે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમનો હેતુ ટીઆરએફને વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદવાનો હતો.
મળતી માહિતી મુજબ, ભારતે ટીઆરએફ ને સરહદ પારના આતંકવાદ સાથે જોડતા પુરાવા સાથે UN ની ૧૨૬૭ સમિતિનો સંપર્ક કર્યો છે. મે અને નવેમ્બર ૨૦૨૪ પછી આ ત્રીજી વખત છે જ્યારે ભારતે સમિતિનો સંપર્ક કર્યો છે.
ટીઆરએફએ લીધો યુ-ટર્ન
હકીકતમાં, ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત સંગઠન છે. તેણે શરૂઆતમાં ૨૨ એપ્રિલે થયેલા પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ૨૬ લોકોના મોત થયા હતાં. જોકે, બાદમાં તેણે પલટી મારી દીધી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આતંકવાદી સંગઠન ટીઆરએફએ સરહદ પાર પોતના આકાઓના કહેવા પર હુમલાની જવાબદારીનો દાવો પરત લઈ લીધો હતો.