કાશ્મીરમાં BJP નેતાઓ પર હુમલા, 370 હઠાવવાની અસર?

શ્રીનગરના નૌગામમાં સ્થિત ભાજપના યુવા નેતા મોહમ્મદ અનવર ખાનના ઘરના મુખ્ય દરવાજા અને દીવાલ પર ગોળીઓનાં નિશાન હજુ પણ જોઈ શકાય છે.

તેમના ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ છે અને ગેટની અંદર બનેલા બંકરમાં પોલીસકર્મીઓ બંદૂક લઈને ઊભા છે.

છ દિવસ પહેલાં પણ ખાનના ઘર પર ઉગ્રવાદી હુમલો થયો હતો. આ હુમલામાં એક સુરક્ષાકર્મચારીનું મૃત્યુ થયું હતું. અનવર ખાન સલામત છે કારણકે હુમલા વખતે તેઓ સ્થળ પર હાજર નહોતા. જોકે તે દિવસથી તેમના બાળકો શાળાએ જઈ શક્યાં નથી.

અનવર ખાન કહે છે, “છેલ્લા છ દિવસથી અમારાં બાળકો શાળાએ જઈ શક્યાં નથી. પરિવારના સભ્યો ડરેલા છે. તેઓ જોખમ લેવા માગતા નથી. જ્યારે પણ આવી ઘટના બને, ત્યારે સ્વાભિવક છે કે ડર લાગે.”

પોલીસે આ હુમલા માટે ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને જવાબદાર ઠેરવ્યું છે.

કાર અથવા ઘર પર ભાજપનો ધ્વજ પણ નથી

અનવર ખાન પોતાના ઘરની બહાર

ઇમેજ સ્રોત,MAJID JAHANGIR/BBC  ઇમેજ કૅપ્શન,  અનવર ખાન પોતાના ઘરની બહાર

અનવર ખાન ભાજપના કારોબારીના સભ્ય હોવાની સાથે લેહ અને કુપવાડામાં પક્ષના પ્રભારી પણ છે.

છેલ્લાં આઠ વર્ષમાં અનવર ખાન પર ત્રીજી વખત હુમલો થયો છે. 2015માં તેમની પર હુમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મચારીને ઈજા થઈ હતી. અનવર ખાને ઘટના સ્થળથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

અનવર ખાન કહે છે કે સુરક્ષાની ચિંતાને લીધે તેઓ પક્ષના કામ માટે વિસ્તારોની મુલાકાત પણ લઈ રહ્યા નથી.

તેઓ કહે છે, “હું ગીચ જગ્યાઓથી દૂર જ રહું છું. જુમ્માની નમાઝ પઢવા માટે હું મસ્જિદમાં પણ જતો નથી. લગ્નોમાં પણ હાજરી આપતો નથી. પોતાની સુરક્ષાની જાતે કાળજી લેવી પડે છે.”

ખાનની કાર અને મકાન પર ભાજપનો કોઈ ધ્વજ નથી. પક્ષના કોઈ મોટા નેતાની તસવીર પણ નજરે પડતી નથી.

તેઓ કહે છે, “તપાસ અને રિપોર્ટ લખવા માટે અહીં જુદા-જુદા વિભાગોની વ્યક્તિઓ આવી રહી છે, જેના કારણે અમે હાલ પૂરતો ધ્વજ ઉતારી લીધો છે.”

ભાજપના નેતાઓ જોખમમાં છે?

કાશ્મીરમાં અનવર ખાનના ઘરના દરવાજા પર બુલેટના નિશાન

ઇમેજ સ્રોત,MAJID JAHANGIR/BBC   ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં અનવર ખાનના ઘરના દરવાજા પર બુલેટના નિશાન

અનવર ખાન કહે છે કે કાશ્મીરમાં ભાજપની લોકપ્રિયતા વધી રહી છે અને હવે કાશ્મીરમાં ઘણી પંચાયતોમાં પક્ષના સભ્યો છે. ડીડીસી અને બીડીસીની ચૂંટણીમાં પક્ષના કાર્યકર્તાઓએ જીત મેળવી છે.

ભાજપના કાર્યકરો ઉગ્રવાદીઓના નિશાના પર કેમ છે? શું અનુચ્છેદ 370 રદ કરવાનો મુદ્દો આની પાછળ જવાબદાર છે?

અનવર ખાન કહે છે, “હોઈ પણ શકે, ઉગ્રવાદીઓ પણ ઇચ્છતા નહોતા કે અનુચ્છેદ 370 હઠાવવામાં આવે. અનુચ્છેદ 370 હઠાવી દીધા બાદ, અમારી માટે જોખમ વધી ગયું છે.”

શ્રીનગરમાં ભાજપનાં કાર્યાલયોમાં સન્નાટો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલું ભાજપ કાર્યાલય

ઇમેજ સ્રોત,MAJID JAHANGIR/BBC    ઇમેજ કૅપ્શન,  જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલું ભાજપ કાર્યાલય

શ્રીનગરના જવાહરનગરમાં સ્થિત ભાજપનાં બંને કાર્યલયોમાં સન્નાટો પ્રસરાયલો છે. બંને જગ્યાએ પક્ષનો કોઈ પણ ધ્વજ જોવા મળતો નથી.

અમે ભાજપના એક નેતાને જવાહરનગરસ્થિત પક્ષની ઑફિસમાં મળવાની ઇચ્છા વ્યક્ત કરી તો જવાબ મળ્યો કે પક્ષ તરફથી તેમને ઑફિસમાં ન જવા માટેની સલાહ આપવામાં આવી છે.

2019માં દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ભાજપના કાર્યકર્તા ગુલ મોહમ્મદ મીર ઉર્ફે અટલજીની હત્યા કરવામાં આવી હતી.

તેમના બંને પુત્રો હજુ પણ ભાજપમાં છે. તેમનો નાનો પુત્ર શકીલ અહેમદ શ્રીનગરની પાર્ટી ઑફિસમાં નોકરી કરે છે.

શકીલ કહે છે, “જો મારા પિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હોત તો તેઓ બચી ગયા હોત. અમે પોલીસ અધિકારીઓ સુધી આ વાત પહોંચાડી હતી પણ તેમને અમારી વાત સાંભળી ન હતી.”

“પિતાની હત્યા બાદ પક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.”

મુસ્તાક નૌરબાદી (48) કાશ્મીરમાં ભાજપના જૂના નેતા છે. મુસ્તાક જ્યારે 22 વર્ષના હતા, ત્યારે તેઓ ભાજપમાં જોડાયા હતા.

પાકિસ્તાની છોકરીઓ માટે જ્યારે ભારતીય સૈનિકો ‘બજરંગી ભાઈજાન’ બન્યા

મુસ્તાક કહે છે કે કાશ્મીરમાં ભાજપના લોકો પર થયેલા હુમલા બાદ ઘરથી બહાર આવતી-જતી વખતે સાવચેતી રાખે છે.

કુલગામ જિલ્લાના નૌરાબાદમાં રહેતા મુસ્તાકના ઘરે 2014માં હુમલો થયો હતો. હુમલા બાદ મુસ્તાક પરિવાર સાથે શ્રીનગરમાં આવી ગયા, ત્યારે હુમલા સમયે મુસ્તાક ઘરે હાજર નહોતા.

મુસ્તાક કહે છે કે મસ્જિદ અથવા બીજી જગ્યાએ જવા માટે બહુ તકેદારી રાખવી પડે છે.

તેઓ કહે છે, “ભાજપ પર હુમલાઓ પછી ડરનો માહોલ છે. પોલીસે પણ અમને વધારે બહાર ન જવાની સૂચના આપી છે.”

મુસ્તાકને પણ લાગે છે કે હાલની ચૂંટણીમાં પક્ષનું જે પ્રભુત્વ વધ્યું છે, તેના કારણે પક્ષને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેઓ કહે છે કે ભાજપની છાપ હિંદુત્વનો અમલ કરનાર પક્ષની બની, જે સાચું નથી.

નિષ્ણતો શું કહી રહ્યાં છે?

અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ મોદી સરકારે કહ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરમાંથી ઉગ્રવાદનો અંત આવી જશે.
 

5 ઑગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કરી, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ સંઘપ્રદેશ બનાવી દીધા હતા.

અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ મોદી સરકારે કહ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરથી ઉગ્રવાદનો અંત આવી જશે.

ભાજપના ફરિયાદ સેલના પ્રમુખ ડૉ. રફી આ હુમલાને ભાજપ દ્વારા લેવામાં આવેલ ઘણા મોટા નિર્ણયો સાથે સાંકળીને જુએ છે.

તેઓ કહે છે, “ભાજપે જે રીતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવી લીધો અથવા કેટલાક કાયદા બદલી કાઢ્યા, તેને કાશ્મીરના લોકોએ નકારાત્મક રીતે લીધું છે.”

“જોકે પક્ષ દ્વારા આ પગલાં કાશ્મીરના લોકોના સારા ભવિષ્ય માટે લેવામાં આવ્યા છે. આપણે લોકોની વિચારધારા બદલવાની જરૂર છે.”

ડૉ. રફી આક્ષેપ કરે છે કે કાશ્મીરમાં ભાજપના નેતાઓને પૂરતી સુરક્ષા નથી મળી રહી.

તેઓ કહે છે, “કાશ્મીરમાં ભાજપના આશરે 100-150 લોકો છે, જેઓ કાશ્મીરમાં ભાજપની ઓળખ છે. કમનસીબી એ છે કે આ લોકોની સુરક્ષાની સારી રીતે તૈયારી કરવામાં આવતી નથી.”

“સરકાર માટે આ કોઈ મોટો મુદ્દો નથી. કાશમીરમાં ભાજપના લોકો પર થયેલા હુમલા અને હત્યા બાદ અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએ.”

વિશ્લેષક અને પત્રકાર હારુન રેશી કહે છે, “પાંચ ઑગસ્ટ 2019ના રોજ ભાજપે જમ્મુ અને કાશમીર માટે જે નિર્ણય કર્યો તેનો રાજ્યના મુખ્ય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.”

“ઉગ્રવાદીઓ આ અંગે નિવેદન બહાર પાડે છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે વિશે કહેવું મુશ્કેલ છે.”

“એમ કહી શકાય કે ભાજપ કાશ્મીરમાં પોતાના લોકોને બચાવવામાં નિષ્ફળ પુરવાર થયો છે. અમે જોયું છે કે છેલ્લાં બે વર્ષોમાં કાશ્મીરમાં ભાજપના ઘણા લોકો માર્યા ગયા છે.”

કાશ્મીર ભાજપના મીડિયા સેલના પ્રમુખ મંઝુર અહમદના કહેવા પ્રમાણે પાંચ ઑગસ્ટ 2019થી લઈને અત્યાર સુધીમાં કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલામાં ભાજપના 13 નેતાઓ અને કાર્યકર્તાઓ માર્યા ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *