ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ આખરે ૯૦ મીટર ફેંકનો આંકડો પાર કર્યો. શુક્રવારે દોહા ડાયમંડ લીગમાં તેણે ૯૦.૨૩ મીટરના થ્રો સાથે ઈતિહાસ રચી દીધો છે.
શુક્રવારે દોહામાં ડાયમંડ લીગમાં ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ૨૦૨૫ સીઝનની પહેલી જ મેચમાં શાનદાર થ્રો કર્યો હતો. તેણે પોતાના ત્રીજા પ્રયાસમાં ૯૦.૨૩ મીટરનો શાનદાર થ્રો કર્યો. જોકે, તે ડાયમંડ લીગના દોહા લેગમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યો. જર્મનીના જુલિયન વેબરે ૯૧.૦૬ મીટર થ્રો કર્યો હતો.
ભાલા ફેંક સ્પર્ધામાં ૯૦ મીટરથી વધુ નો થ્રો કરનાર નીરજ વિશ્વનો ૨૫ મો ખેલાડી બન્યો. નીરજે ૮૮.૪૪ મીટરનું અંતર કાપીને પોતાના પહેલા થ્રોમાં સારા ફોર્મમાં હોવાનું દર્શાવ્યું, પરંતુ તેનો બીજો પ્રયાસ ફાઉલ સાબિત થયો. પછી ત્રીજા પ્રયાસમાં તેણે ૯૦ મીટરનો આંકડો પાર કર્યો. આ એક એવી સિદ્ધિ છે જે નીરજ લાંબા સમયથી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સૌથી દૂર ભાલા ફેંકના ટેબલમાં નીરજ હવે 24મા ક્રમે છે. તે ૯૦.૨૦ મીટર સાથે જર્મનીના મેક્સ ડેહનિંગ અને ૯૦.૧૬ મીટર સાથે ત્રિનિદાદ અને ટોબેગોના કેહરન વોલકોટથી આગળ રહ્યો. નીરજ ચોપરાના કોચ, ચેક રિપબ્લિકના જાન ઝેલેઝની, સૌથી દૂર ભાલા ફેંકવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે ૧૯૯૬ માં ૯૮.૪૮ મીટરના થ્રો સાથે વિશ્વ વિક્રમ બનાવ્યો. ઝેલેઝનીમાં જોડાયા પછી નીરજની આ પહેલી ઇવેન્ટ હતી.
૯૦ મીટરનો અવરોધ પાર કરનારા વિશ્વના ૨૬ ભાલા ફેંકનારાઓમાંથી સાત જર્મનીના, ચાર ફિનલેન્ડના, બે ચેક રિપબ્લિકના, એક-એક ગ્રેનાડા, પાકિસ્તાન, કેન્યા, રશિયા, ગ્રીસ, નોર્વે, ગ્રેટ બ્રિટન, ચાઇનીઝ તાઈપેઈ, યુએસએ, લાતવિયા, એસ્ટોનિયા અને ત્રિનિદાદ અને ટોબેગોના છે. આ યાદીમાં ભારતના નીરજ ચોપરાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (૯૨.૯૭ મીટર) અને ચાઈનીઝ તાઈપેઈના ચાઓ-ત્સુન ચેંગ (૯૧.૩૬ મીટર) એ બે અન્ય એશિયન છે જેમણે આ પ્રતિષ્ઠિત સિદ્ધિ મેળવી છે.