તુર્કિયે ભારતીયોનું મનગમતું પ્રવાસન સ્થળ હતું, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં તુર્કિયેએ પાકિસ્તાનો પક્ષ લેતા ભારતીયોએ ‘બોયકોટ તુર્કિયે’નો એવો તો સપાટો બોલાવ્યો કે તુર્કિયે ખળભળી ઊઠ્યું. ઓપરેશન સિંદૂરની ઘટના પછી ૨૦૦૦ ભારતીયોએ તુર્કિયેનો પ્રવાસ રદ કરી દીધો છે. એ પછી ભારતના વેપારીઓ, રિટેલર્સ અને ટોચના ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વ્યાપક બહિષ્કાર કરીને તુર્કિયેના માલનું વેચાણ બંધ કરતાં તુર્કિયેને બહુ મોટું આર્થિક નુકશાન થયું છે. હવે એક ત્રીજા મોરચે પણ ભારતના લોકોએ તુર્કિયેનો હાથ આમળ્યો છે, અને તે છે ‘ડેસ્ટિનેશન વેડિંગ’નું કેન્સલેશન.
થોડા વર્ષોમાં ભારતીયોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ જામ્યો છે. લોકો દેશ-વિદેશના રમણીય સ્થળોએ લગ્ન સમારંભો યોજે છે અને ધૂમ પૈસો ઉડાવે છે. લગ્ન કરવા માટે તુર્કિયે પણ ભારતીયોની પસંદનું સ્થળ હતું. ભારતીય લોકોના લગ્નોને લીધે તુર્કિયેને વાર્ષિક લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાની આવક થતી હતી, જે હવે બંધ થઈ જશે, કેમ કે હવે ભારતીયો તુર્કિયે ખાતેના ‘ડેસ્ટિનેશન વેડિંગ’ રદ કરી રહ્યા છે.
આંકડાઓ પર નજર નાંખીએ તો, વર્શ ૨૦૦૪ માં તુર્કિયેમાં ૫૦ ભારતીય લગ્નોનું આયોજન થયું હતું. પ્રત્યેક લગ્નમાં સરેરાશ ૩ મિલિયન ડોલર એટલે કે ૨૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. એ હિસાબે જોઈએ તો એકલા ગયા વર્ષમાં જ ભારતીયોએ તુર્કિયેને લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાની આવક કરી આપી હતી. ત્યાં યોજાયેલા ભારતીયોના અમુક લગ્નો તો એટલા ભવ્ય હતા કે એનો ખર્ચો ૮ મિલિયન ડોલર (૬૮ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. હવે આ આવક બંધ થતાં તુર્કિયેને ચોક્કસપણે ફટકો પડશે.
તુર્કિયેમાં સરેરાશ ૧૦૦ મહેમાનો માટેનું ભારતીય લગ્નનું પેકેજ ૩,૮૫,૦૦૦ ડોલર (૩.૨૯ કરોડ રૂપિયા)થી શરૂ થતું હોય છે. સ્થાનિક તુર્કિયે લગ્નોમાં આ પેકેજ ફક્ત ૧,૬૦૦ થી ૫,૪૦૦ ડોલર (૧.૩ લાખથી ૪.૬ લાખ)ની વચ્ચેનું હોય છે. જેના પરથી સાબિત થાય છે કે તુર્કિયેના લગ્ન બજારમાં ભારતીયોનો હિસ્સો કેટલો મોટો છે. વર્ષ ૨૦૧૮ માં તુર્કિયેમાં ૧૩ ભારતીય લગ્ન યોજાયા હતા, ૨૦૨૪ માં તે વધીને ૫૦ થઈ ગયા હતા.
તુર્કિયેમાં આયોજિત ઈન્ડિયન ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્નદીઠ સરેરાશ ૫૦૦ મહેમાનો સામેલ થતા હોય છે. ઘણા દિવસો સુધી ચાલનારી ઉજવણીઓને લીધે ફ્લોરિસ્ટ જેવા સ્થાનિક વિક્રેતાઓથી લઈને ઈવેન્ટ મેનેજર જેવા વ્યવસાયોને નોંધપાત્ર રોજગારી મળતી હોય છે. ભારતીયોના બહિષ્કારને પગલે હવે એ તમામ લોકો પ્રભાવિત થવાના.
વર્ષ ૨૦૨૫ માં તુર્કિયેમાં ૫૦ લગ્નોનું આયોજન થવાનું હતું, જેમાંના ૩૦ લગ્નો હવે તુર્કિયેને બદલે બીજે કશે થવા જઈ રહ્યા છે. એક લગ્નનો સરેરાશ ખર્ચ ૩ મિલિયન ડોલર (૨૫ કરોડ રૂપિયા) ગણીએ તો તુર્કિયેને ૯૦ મિલિયન ડોલર(૭૭૦ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું છે અને એમાં હજુ વધારો થવાની સંભાવના છે.