હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી છે. આ આગમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા હોવાની આશંકા છે. તેમજ ૧૦ થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાની ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જેમાં મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતાં. આગ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલા જ્વેલરી સ્ટોરમાંથી શરૂ થઈ હતી, બાદમાં આખી ઈમારતમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત નીપજ્યા હતાં.
આગની જાણ થતાં ૧૧ ફાયર બ્રિગેડની ગાડીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. લંગર હાઉસ, મોગલપુરા, ગૌલગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ, અને સાલારજંગ મ્યુઝિયમ સ્ટેશનોમાંથી ફાયરબ્રિગેડ પહોંચી છે. આ સિવાય બ્રોન્ટો સ્કાયલિફ્ટ, ૩ વોટર ટેન્ડર અને એફ ફાયર ફાઈટિંગ રોબોટની મદદ લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓએ મૃતકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ X પર લખ્યું છે, તેલંગાણાના હૈદરાબાદમાં આગની મોટી દુર્ઘટનાના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઈજાગ્રસ્તો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.
