ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે રાજ્યમાં આવેલા અનેક મંદિરોમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શન સમયે દર્શનાર્થીઓની થતી ભીડના કારણે કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુથી આ નિર્ણય લેવામા આવ્યો છે.
સોમનાથ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ
વીરપુરનું જલારામ મંદિર 30મી તારીખ સુધી બંધ
સુપ્રસિધ્ધ વીરપુર જલારામબાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ રહેશે. યાત્રાધામમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર બંને 30 એપ્રિલ સુધી બંધ રહેશે. અગાઉ ગાદીપતિ રઘુરામબાપાએ હોળી ધુળેટીના તહેવારો ઉપર પણ પૂજ્ય જલારામ બાપાની જગ્યા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
ભાવનગરમાં બગદાણા મંદિર બંધ કરવાનો નિર્ણય
ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગુરૂઆશ્રમ બગદાણા મંદિર જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.ગુરૂ આશ્રમ બગદાણા 13 એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ગુરૂઆશ્રમ બગદાણા મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે.
મહુવાના ભગુડા મોગલધામ પણ દર્શનાર્થીઓ માટે બંધ
ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ આગામી 13 એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હાલની કોરોનાની વિકટ સ્થિતિને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા, ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે. તો તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓ માટે ધામ બંધ કરવામાં આવ્યું છે