અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર ૨૫ % ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે.
ટ્રમ્પે એપલના ટીમ કૂકને ચેતવણી આપી છે કે, તમે અમેરિકા સિવાય ભારત જ નહીં, અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કર્યું તો તમારે અમેરિકાને ૨૫ % ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્દેશ પર ધ્યાન આપવા બદલ આભાર. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે પોસ્ટ કરી છે કે, મેં બહું પહેલાં જ એપલના ટીમ કૂકને આ સંદર્ભે ચેતવ્યા હતાં. મને અપેક્ષા છે કે, અમેરિકામાં વેચાણ થતાં આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં જ થશે. ન કે ભારત કે અન્ય કોઈ સ્થળ પર. જો અન્ય સ્થળ પર ઉત્પાદન કર્યું તો એપલે અમેરિકાને ઓછામાં ઓછો ૨૫ % ટેરિફ ચૂકવવો પડશે.
ટ્રમ્પે અગાઉ જ એપલના સીઈઓ ટીમ કૂક સાથે ચર્ચા કરી ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું. તેમજ અમેરિકામાં જ ઉત્પાદન કરવા સલાહ આપી હતી. ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના પગલાં લઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની ટોચની ટૅક્નોલૉજી કંપની એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા સલાહ આપતાં કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલની પ્રોડક્ટ્સ બનાવો, તેઓ પોતે પોતાનું જોઈ લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવૉરનો ઉદ્દેશ જ સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાનો છે. તે અમેરિકાની ખાધમાં ઘટાડો કરી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માગે છે. અગાઉ ટ્રમ્પે ૨ એપ્રિલના રોજ વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જો કે, બાદમાં ૯ જુલાઈ સુધી (૯૦ દિવસ માટે) ભારત સહિત અમુક દેશોને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપી હતી.