જર્મનીના ચાન્સેલરે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ ચાન્સેલરે કહ્યું કે, ‘ભારતે પોતાનો બચાવ કરવા માટે આતંકવાદીઓ પર હુમલો કરવાનો હક છે. ભારતે પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. અમે સ્પષ્ટ કહીએ છીએ કે, બંને દેશોએ પોતાના વિવાદોને માત્ર ભેગા મળીને જ ઉકેલવો પડશે. તેમાં અન્ય દેશની કોઈપણ ભૂમિકા ન હોવી જોઈએ.’
જર્મનીના સમર્થનથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને આતંકવાદ મુદ્દે મોટી રાજદ્વારી જીત મળી છે. જર્મનીના ચાન્સેલર અને વિદેશ મંત્રી વેડેફુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘ભારતને પોતાની આત્મરક્ષા કરવા માટે આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આતંકવાદ સામે લડનારા ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે અને પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ભારત થયેલા આતંકવાદી હુમલો નિંદનીય છે. આત્મરક્ષણના અધિકાર હેઠળ ભારતની પ્રતિક્રિયા સંપૂર્ણ વ્યાજબી છે.’
જર્મનીએ સ્પષ્ટપણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, તેને ઉકેલવા બંનેએ વાતચીત કરીને જ ઉકેલવો જોઈએ. તેમાં કોઈ અન્ય દેશની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન કાશ્મીર સહિતના મુદ્દાઓ ઉછાળીને હંમેશા આંતરરાષ્ટ્રીય મંચોને મધ્યસ્થતા કરવાની માંગ કરતું રહ્યું છે, ત્યારે જર્મનીએ પાકિસ્તાનની આ નીતિને કડક શબ્દોમાં પડકાર્યો છે. બીજીતરફ ભારત પણ કહેતું રહ્યું છે કે, કાશ્મીર ભારતનો આંતરિક માલો છે અને પાકિસ્તાન આતંકવાદનો રસ્તો છોડી દે તો જ વાતચીત થઈ શકે છે.
અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને હવે જર્મની જેવા દેશો તરફથી ભારતને મળેલો સ્પષ્ટ ટેકો એ વાતનો સંકેત છે કે, વિશ્વ હવે આતંકવાદના મુદ્દા પર સર્વસંમતિ પર આવી રહ્યું છે. ખાસ કરીને જ્યારે આ આતંકવાદ ભારત જેવા સૌથી મોટા લોકશાહી પર હુમલો કરે છે, ત્યારે આનાથી ભારતની રાજદ્વારી સ્થિતિ મજબૂત થઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને અલગ પાડવાની વ્યૂહરચના મજબૂત થઈ છે.