મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને તેના ઉપનગરો માટે ઓરેન્જથી રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણથી ચાર કલાકમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે.
મુંબઈમાં ગત રાતથી ભારે વરસાદનો માહોલ છે. મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. મે મહિનામાં મુંબઈમાં પડેલા વરસાદે ૧૦૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર મંગળવારે શહેરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

IMDએ આગામી ૨૪ કલાક દરમિયાન મુંબઈના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. રવિવાર અને સોમવારે દાદર, પરેલ, કુર્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી. વરસાદને કારણે ટ્રેન અને ફ્લાઇટના સમયપત્રક બંને પર અસર પડી છે. ૨૫ મેના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યાથી ૨૬ મેના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં શહેરમાં ૫૮ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં પૂર્વીય ઉપનગરોમાં ૧૯ મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદને કારણે, ફ્લાઇટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ ગ્રાહકો માટે એડવાઇઝરી જારી કરી છે. સ્પાઇસજેટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મુંબઈમાં ખરાબ હવામાન ભારે વરસાદને કારણે, બધી પ્રસ્થાન/આગમન અને તેમની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ http://spicejet.com/#status દ્વારા તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસતા રહે.”
મુંબઈમાં સતત વરસાદને કારણે રેલ્વે ટ્રેક પર ભારે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકલ ટ્રેન સેવાઓ મોડી પડી હતી. ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં પાંચથી દસ મિનિટ મોડી ચાલી રહી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે “થોડા કલાકો સુધી સતત વરસાદને કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રેલ્વે ટ્રેક પણ પ્રભાવિત થયા હતા, જેના કારણે સોમવારે સવારે રોડ ટ્રાફિક અને લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી.”
