સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર નિરાલી પટેલની પોલીસે રવિવારે ધરપકડ કરી હતી પણ પચી તેમને જામીન પર છોડી દેવાયાં હતાં.
નિરાલી પટેલની ધરપકડ કોરોનાની સારવારની વ્યવસ્થામાં અરાજકતા અને સરળતાથી લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળતાં એ મુદ્દે શનિવારે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર પ્રદર્શન કરવા બદલ થઈ હતી. સુરત મ્યુનિસિપિલ કોર્પોરેશનના વોર્ડ નંબર 5નાં આમ આદમી પાર્ટી (આપ)નાં મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર પ્રદર્શનના બીજા દિવસે વરાછા પોલીસમાં જઈને લોકોનાં ટોળા ભેગા નહીં કરવા અંગે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પોલીસે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર પ્રદર્શન અને વિરોધ કરવા મામલે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને ટોળે વળીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી નિરાલી પટેલની ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
શનિવારે વરાછા વિષ્ણુનગર સોસાયટીમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરની બહાર આમ આદમી પાર્ટી (આપ)નાં કોર્પોરેટર નિરાલી પટેલ તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા સહિતના આમ આદમી પાર્ટી (આપ)નાં કોર્પોરેટર્સઓએ પ્રદર્શન કર્યું હતું. રવિવારે કોર્પોરેટર નિરાલી પટેલે વરાછા પોલીસ સ્ટેશનેે પહોંચી પોતાના વિસ્તારમાં નિયમિત રીતે પેટ્રોલિંગની સલાહ આપી હતી.
પોલીસના ધ્યાને આવ્યું કે શનિવારે આરોગ્યમંત્રીના ઘર સામે ટોળું કરનારામાં નિરાલી પટેલ પણ હતા તેથી પોલીસે ધરપકડ કરી હતી. વરાછા પોલીસે આરોગ્યમંત્રી કાનાણીના ઘર બહાર વિરોધ પ્રદર્શન કરનાર આપના કિરીટ શિંગાળા, કિરણ ખોખારી, ધર્મેશ ભંડેરી, અશોક ગોધાણી, નિરાલી પટેલ, યોગેશ જાદવાણી, કે. કે. ધામી,વિપુલ મોલવિયા, પાયલ સાકરિયા, ભાવના સોલંકી સહિત ટોળા સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી.