આગામી ૩ દિવસ રાજ્યમાં ગાજવીજ રહેશે સાથે જ ૫૦-૬૦ કિ.મી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાશે, ૨૮ અને ૨૯ મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ગઇકાલે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘમહેર યથાવત રહી શકે છે. હવામાન અપડેટ મુજબ આગામી ૩ દિવસ રાજ્યમાં ગાજવીજ રહેશે સાથે જ ૫૦-૬૦ કિ.મી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાશે. હવામાન અપડેટ મુજબ પવન હોવાને કારણે દરિયામાં કરંટ જોવા મળશે, જેથી દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે સાથે જ સલામતી ના ભાગ રૂપે માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. જેથી ગુજરાત પર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ૩ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે હવે ચોમાસુ પણ ગુજરાત નજીક પહોચ્યું છે. હાલમાં ચોમાસુ મુંબઈ ખાતે પહોચ્યું છે આગામી દિવસોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ નોંધાશે.
ગુજરાતના હવામાન વિભાગે ૧ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. આ તરફ આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે ૪૦થી ૫૦ ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ૨૮ અને ૨૯ મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.