ગુજરાતભરમાં આવતીકાલ તા. ૨૯ મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૦૫:૦૦ વાગ્યે મોકડ્રીલનું આયોજન થશે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. મોકડ્રીલના સફળ અમલીકરણ માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેકટરોને જરુરી સૂચનાઓ અપાઈ હતી.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.