દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બેંક છેતરપિંડીના કેસોમાં ભલે ઘટાડો થયો હોય પણ તેની રકમમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. આરબીઆઇએ ગુરૂવારે જારી કરેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બેંક છેતરપિંડીના કેસોમાં ઘટાડો થયો છે. જો કે તેમાં સામેલ રકમ ત્રણ ગણી વધી ગઇ છે.

આરબીઆઇના રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં છેતરપિંડીના કેસો વધારે કેસ નોંધવામાં આવ્યા હતાં. જો કે છેતરપિંડીની રકમ સરકારી બેંકોમાં વધારે હતી. છેતરપિંડીની ૭૧ ટકા રકમ સરકારી બેંકો સાથે સંકળાયેલી હતી.
લોન છેતરપિંડીની રકમ ૨૩૦ % વધીને ૩૩૧૪૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આવા કેસોની સંખ્યા બમણી થઇને ૭૯૫૦ થઇ ગઇ છે. બીજી તરફ કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીની રકમ ૬૩ % ઘટીને ૫૨૦ કરોડ રૂપિયા થઇ છે. કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીના કેસોની સંખ્યા ૫૦ ટકા ઘટી ૧૩૫૧૬ થઇ ગઇ છે. આરબીઆઇના નાણાકીય વર્ષ ૨૦૨૫ના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૪-૨૫ માં બેંકોમાં છેતરપિંડીના કુલ ૨૩૯૫૩ કેસો સામે આવી હતાં. જે નાણાકીય વર્ષ ૨૦૨૪ થી ૩૪ % ઓછા છે. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં છેતરપિંડીમાં સામેલ રકમ વધીને ૩૬૦૧૪ કરોડ રૂપિયા થઇ છે. આ રકમ લગભગ ત્રણ ગણી વધારે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની સરખામણીમાં ૨૦૨૪-૨૫ દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલ કુલ છેતરપિંડીમાં સામેલ રકમમાં વૃદ્ધિ જોવા મળી છે. આ વૃદ્ધિનું મૂળ કારણ ગત નાણાકીય વર્ષ દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલ ૧૮૬૪૭ કરોડ રૂપિયાની રકમના ૧૨૨ કેસોને ફરીથી છેતરપિંડીના રૂપમાં વર્ગીકરણ કરવાનું છે. આ પગલું ૨૭ માર્ચ, ૨૦૨૩ ના રોજ આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયના પાલનને સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આ કેસોની ફરી તપાસ કરવામાં આવી અને ચાલુ નાણાકીય વર્ષમાં તેમને નવેસરથી રિપોર્ટ કરવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં છેતરપિંડીના સૌથી વધારે ૧૪૨૩૩ કેસો નોંધવામાં આવ્યા હતાં.
જે બેકિંગ સેક્ટરના તમામ કેસોના ૫૯.૪ % થાય છે. સરકારી બેંકોમાં ૬૯૫૩ કેસો નોંધવામાં આવ્યા પણ તેમાં સામેલ રકમ૨૫૬૬૭ કરોડ રૂપિયા હતી. જે છેતરપિંડીની કુલ રકમના ૭૧.૪ % થાય છે. પ્રાઇવેટ સેક્ટરની બેકોમાં થયેલી છેતરપિંડીમાં સામેલ રકમ ૧૦૦૮૮ કરોડ રૂપિયા હતી.
આરબીઆઇ ફાટેલી નોટોનો ઉપયોગ પાર્ટિકલ બોર્ડ બનાવવામાં કરશે
મુંબઇ : ચલણી નોટોના નિકાલને પર્યાવરણ અનુકુળ બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાર્ટિકલ બોર્ડ બનાવવા માટે ફાટી ગયેલા નોટોનો ઉપયોગ કરશે. તેણે બોર્ડ નિર્માતાઓને પેનલમાં સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે તેમ ગુરૂવારે જારી કરાયેલા આરબીઆઇના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પોતાના રિપોર્ટમાં આરબીઆઇએ જણાવ્યું છે કે ભારતમાં પ્રતિવર્ષ ઉત્પાદિત બેંકનોટ બ્રિકેટ્સ કે કોમ્પ્રેસ્ડ કાગળના બ્લોકનું પ્રમાણ ૧૫૦૦૦ ટન છે તથા તેના નિકાલ માટે ગ્રીન વિકલ્પોની શોધ ચાલુ છે. પરંપરાગત રીતે મોટા ભાગની કેન્દ્રીય બેંક અને કરન્સી મેનેજમેન્ટના પ્રભારી ફાટી ગયેલી નોટોનું નિકાલ બાળીને કરે છે જે પર્યાવરણને અનુકુળ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઇએ કેટલાક વૈકલ્પિક ઉકેલ શોધવા માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ સ્વાયત્ત એકમ, વૂડ સાયન્સ અને ટેકનોલોજી સંસ્થા દ્વારા એક સ્ટડી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટડીથી એ સ્થાપિત થયું છે કે કરન્સી બ્રિકેટ કણોથી નિર્મિત પાર્ટિકલ બોર્ડ તેની ટેકનિકલ જરૂરિયાતોને અનુરૂપ હશે.
આરબીઆઇ પાસે રૂ. ૪.૩૨ લાખ કરોડનું સોનું : ગયા વર્ષ કરતા મૂલ્યમાં ૫૭.૧૨ % ની વૃદ્ધિ
મુંબઇ : આરબીઆઇની સંપત્તિના રૂપમાં રાખવામાં આવેલ સોના (ગોલ્ડ ડિપોઝીટ સહિત)નું મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી ૫૭.૧૨ % વધી ૪૩૧૬૨૪.૮ કરોડ રૂપિયા થઇ ગયું છે. તેનું મુખ્ય કારણ સોનાના પ્રમાણમાં ૫૪.૧૩ મેટ્રિક ટનનો વધારો અને તેના ભાવમાં થયેલો વધારો છે. રિપોર્ટ અનુસાર ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી કેન્દ્રીય બેંક પાસે કુલ સોનું ૮૭૯.૫૮ મેટ્રિક ટન હતું. જ્યારે ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ ૮૨૨.૧૦ મેટ્રિક ટન સોનું હતું. જે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં સોનાના પ્રમાણમાં ૫૭.૪૮ ટનની વૃદ્ધિ દર્શાવે છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ ૮૭૯.૫૮ મેટ્રિક ટન સોનાના જથ્થા પૈકી ૩૧૧.૩૮ મેટ્રિક ટન સોનું ઇસ્યુ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ ઇસ્યુ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવેલ સોનાનું પ્રમાણ ૩૦૮.૦૩ મેટ્રિક ટન હતું. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ બાકી વધેલ ૫૬૮.૨૦ મેટ્રિક ટન સોનું બેકિંગ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ બાકી વધેલ ૫૧૪.૦૭ મેટ્રિક ટન સોનું બેકિંગ ડિપાર્ટમેન્ટની મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું હતું.