

શુક્રવારે બિહારના કારકટમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરને ના તો અટકાવાયું છે ના તો તેનો અંત આવ્યો છે. પહલગામ હુમલાના બીજા દિવસે હું બિહાર આવ્યો હતો અને મે વચન આપ્યું હતું કે અપરાધીને એવી સજા અપાશે જે તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોય. મારુ વચન પાળીને હું આજે ફરી બિહાર આવ્યો છું. ભારતની પુત્રીઓના સિંદૂરની તાકાત પાકિસ્તાન અને સમગ્ર વિશ્વએ જોઇ છે. પાકિસ્તાની સૈન્યના નેજા હેઠળ આતંકીઓ બહુ જ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમને ઘૂંટણીએ લાવી દીધા. અમે પાકિસ્તાનના એરબેઝ અને સૈન્ય મથકોને ઉડાવી દીધા. આ નવુ ભારત છે.
બિહાર ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૪૭૬૦૦ કરોડના ૧૫ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતાના ઘાતક હથિયારોનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું હતું. જેણે પાકિસ્તાનને યુદ્ધ રોકવા માટે આજીજી કરવા મજબૂર કરી દીધુ હતું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જે પણ પર્યટકો માર્યા ગયા હતા તેમાં કાનપુરના એક બિઝનેસમેન શુભમ દ્વિવેદીનો પણ સમાવેશ થાય છે. શુભમના પત્નીને ટાંકીને મોદીએ કહ્યું હતું કે આપણી દિકરી ઐશન્યાની પિડા, ગુસ્સો અને દુઃખને અમે મહેસુસ કરી શકીએ છીએ. ઓપરેશન સિંદૂર તરીકે સમગ્ર વિશ્વએ પણ આપણા આ જ પ્રકારના ગુસ્સાનો પરચો કર્યો છે. આ ઓપરેશન હજુ પુરુ નથી થયું.