ભારતનો વિકાસદર માર્ચ ક્વાર્ટરમાં ૭.૪ % અને સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૬.૫ % નોંધાયો છે. તાજેતરમાં જાપાનને પાછળ છોડી ભારત દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે.
ભારતના આર્થિક વિકાસદરના આંકડા જાહેર થયા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જાન્યુઆર માર્ચ ૨૦૨૫ ત્રિમાસિક સમયગાળા દરમિયાન દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ૭.૪ % નોંધાયો છે, જે છેલ્લા ક્વાર્ટરમાં સૌથી વધુ છે. આ સાથે સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતનો વિકાસદર ૬.૫ % આવ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચતતા વચ્ચે ભારતે એકંદરે સારો આર્થિક વૃદ્ધિ દર હાંસલ કર્યો છે.
ભારતનો વિકાસદર મંદ પડ્યો
સરકાર દ્વારા ૩૦ મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જાન્યુઆરી માર્ચ ત્રિમાસિકમાં ભારતનો વિકાસદર ૭.૪ % આવ્યો છે. જે પાછલા ક્વાર્ટરમાં ૬.૯ % જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૮.૪ % રહ્યો હતો.
તાજેતરના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪ માં જીડીપી ગ્રોથ ૮.૨ % થી સુધારીને ૯.૨ % કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે જીડીપી વૃદ્ધિ ૯.૨ % થયો છે, જે છેલ્લા ૧૨ વર્ષમાં બીજા સૌથી ઉંચો વિકાસદર છે.
ભારતના જીડીપીના આંકડા જાહેર થવાના થોડાક દિવસ અગાઉ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યે જાણકારી આપી હતી કે, જાપાનને પાછળ છોડી ભારત દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો આર્થિક વિકાસદર ટકેલો રહ્યો છે. હવે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં જીડીપી ગ્રોથ ૬.૩ % રહેવાની ધારણા છે, જ્યારે મોંઘવારી દર ઘટીને ૩.૭ % થઇ શકે છે.