કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કોલંબિયાની રાજધાની બોગોટામાં આતંકવાદના વિરોધમાં ભારતના સફળ ‘ઓપરેશન સિંદૂર’ની જાણકારી આપવા માટે બનાવેલા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે કોલંબિયામાં પાકિસ્તાનનો ચહેરો ઉજાગર કર્યો અને ત્યાંની સરકારને સત્યથી વાકેફ કરાવ્યું. આ દરમિયાન, ભારતે કોલંબિયા સરકારના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી. તે પછી, કોલંબિયાએ પોતાનું વલણ બદલ્યું અને સત્તાવાર રીતે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું.
કોલંબિયાએ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતની બદલો લેવાની કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. આ અંગે, સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશિ થરૂરે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું – ‘અમે (ભારત) કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. ભારતીય પ્રતિનિધિમંડળે કોલંબિયાના વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ નાયબ મંત્રી સાથે વાતચીત કરી હતી, જે સકારાત્મક હતી. અમને તમને જણાવતા સંતોષ થાય છે કે કોલંબિયાએ અમને નિરાશ કરનારા નિવેદનને પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ હવે ભારતનો દૃષ્ટિકોણ સમજે છે અને અમારા પક્ષમાં મજબૂત સમર્થન સાથે એક નવું નિવેદન બહાર પાડશે.’

આ મામલે શશી થરૂરે કહ્યું કે ‘કોલંબિયાના નાયબ વિદેશ મંત્રી રોઝા યોલાન્ડાએ ખૂબ જ સુંદરતાથી ઉલ્લેખ કર્યો કે અમે ચિંતા વ્યક્ત કર્યા પછી કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન પાછું ખેંચ્યું છે. કોલંબિયા હવે આ સમગ્ર મામલે અમારા વલણને સંપૂર્ણપણે સમજે છે. આ ખરેખર ખૂબ મહત્ત્વનું છે.’
પહલગામ હુમલા વિશે વાત કરતા થરૂરે કહ્યું હતું કે, ‘હું પહેલા જ કહી ચુક્યો છું કે, અમારી પાસે નક્કર પુરાવા છે. જ્યારે પહલગામમાં આતંકી હુમલો થયો, તો તેની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકી સંગઠને લીધી હતી. આ સંગઠન પાકિસ્તાનના મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાનું જ એક એકમ છે. અમે કોલંબિયામાં અમારા મિત્રોને કહીશું કે, આતંકવાદીઓને મોકલનાર અને તેમના વિરોધ કરનાર વચ્ચે સમાનતા ન હોય શકે. આ પ્રકારનો હુમલો કરનાર અને અને તેનાથી પોતાની સુરક્ષા કરનારને એક ત્રાજવે તોલી ન શકાય. અમે ફક્ત આત્મરક્ષાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના પર કોઈ ગેરસમજ છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ. અમે કોલંબિયા સરકાર પાસે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતની સૈન્ય કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપતા રાજીપો અનુભવીશું.’