દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં કુલ કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. માહિતી અનુસાર, દેશભરમાં ૨,૭૧૦ સક્રિય કોરોના દર્દીઓ છે. કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી સંક્રમિત ૭ લોકોના મોત પણ થયા છે.
કેરળમાં ૧૧૪૭, મહારાષ્ટ્રમાં ૪૨૪, દિલ્હીમાં ૨૯૪ અને ગુજરાતમાં ૨૨૩ સક્રિય કેસ છે. કર્ણાટક અને તમિલનાડુમાં ૧૪૮ કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના ૧૧૬ કેસ મળી આવ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં કોરોનાને કારણે ૨૨ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં બે દર્દીઓના મોત થયા છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત થયું છે.
બીજી તરફ ઓમિક્રોન LF.૭ અને NB૧.૮ ના બે પ્રકારોને કારણે કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ વખતે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૫૬ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દી પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતા હતા.