
- હરિયાળી વધારવા શહેર અને ગ્રામીણ ક્ષેત્રો વચ્ચે સંતુલન રખાશે, પબ્લિક પાર્ક બમણા થશે
સાંભળવામાં અજીબ લાગે છે, પરંતુ દુનિયાના સૌથી મોટા રણપ્રદેશમાં વસેલું દુબઈ હવે તેના વિસ્તારનો અડધાથી વધુ હિસ્સો હરિયાળીથી કવર કરવા ઈચ્છે છે. હાલમાં જાહેર દુબઈ અર્બન માસ્ટર પ્લાન 2040 પ્રમાણે, સરકારની યોજના રણપ્રદેશ દુબઈનો 60% હિસ્સો હરિયાળો કરી દેવા માંગે છે. શેખ મોહમ્મદ બિન રશિદ અલ મકતૂમ, વડાપ્રધાન અને દુબઈના શાસક દ્વારા જારી કરાયેલા માસ્ટર પ્લાનનો હેતુ દુબઈને રહેવા અને કામ કરવાનું સૌથી ઉત્તમ શહેર બનાવવાનો છે. 2008 સુધી દુબઈમાં 8% ગ્રીન કવર પણ ન હતું, પરંતુ 2020 સુધી શહેરી ક્ષેત્રનો 35% હિસ્સો હરિયાળીથી કવર કરાયો છે. જોકે, આ શહેરી હિસ્સો સમગ્ર દુબઈના ક્ષેત્રફળના ફક્ત 20% જ છે.
આ યોજનામાં મુખ્યત્વે પાંચ શહેરી કેન્દ્રો (હાલના ત્રણ અને બે નવા) પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે દુબઈના શહેરી ક્ષેત્રોને અપગ્રેડ કરવાની પરિકલ્પના કરાઈ છે. આ માટે સંસાધનોનો યોગ્ય ઉપયોગ, જીવંત, સ્વસ્થ અને સમાવેશક સામાજિક વિકાસ પર ભાર મૂકાશે. આ સાથે હરિયાળી અને રિલેક્સ થવા માટે બનેલા વિસ્તારો અને પબ્લિક પાર્કને પણ બમણાં કરાશે. દુબઈની વસતી 2040 સુધી 58 લાખ થવાનું અનુમાન છે. ધ્યાનમાં રાખી અહીં હરિયાળી વધારવાની યોજના તૈયાર કરાઈ છે.
સમુદ્ર તટોની લંબાઈ 400% વધારાશે
- અમીરાતના કુલ ક્ષેત્રનો 60% હિસ્સામાં પ્રકૃતિના ભંડાર અને ગ્રામીણ પ્રાકૃતિક ક્ષેત્ર રહેશે. રહેણાક વિસ્તારો અને કાર્યસ્થળોને જોડવા માટે અનેક ગ્રીન કોરિડોર બનાવાશે, જે શહેરમાં ચાલીને જતા લોકો અને સાયકલ ચલાવનારા લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાશે.
- હોટલ અને પ્રવાસન ગતિવિધિના ઉપયોગમાં લેવાનારી જમીનમાં 134%નો વધારો કરાશે. શિક્ષણ અને આરોગ્ય સુવિધા માટે ફાળવેલી જમીનમાં પણ 25%નો વધારો કરાશે, જ્યારે જાહેર સમુદ્ર તટોની લંબાઈ 400% જેટલી વધારાશે.